બ્લડ-પ્રેશર, ફંગલ ચેપ અને ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે લેવામાં આવતી ૩ દવાને WHOએ કૅન્સરજન્ય જાહેર કરી

09 August, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મુદ્દે ડૉક્ટરોનું કહેવું છે કે આ વર્ગીકરણ ફક્ત સંભવિત જોખમને ઓળખે છે, દરદીઓએ તાત્કાલિક દવા લેવાનું બંધ કરવાનો આદેશ નથી

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ની ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર (IARC)એ હાઈ બ્લડ-પ્રેશર અને ફંગલ ઇન્ફેક્શનમાં તથા ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે ઉપયોગમાં લેવાતી અને વ્યાપકપણે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી ૩ દવાઓ અનુક્રમે હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ, વોરીકોનાઝોલ અને ટેક્રોલિમસને માનવ માટે કાર્સિનોજેનિક (ગ્રુપ 1) તરીકે વર્ગીકૃત કરી છે. જોકે જે લોકો હાલમાં આ દવાઓ લઈ રહ્યા છે તેમણે ગભરાટમાં આવીને દવા જાતે બંધ ન કરવા સામે નિષ્ણાતોએ ચેતવણી આપી છે. 

હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ દવા હાઈ બ્લડ-પ્રેશરની સારવાર માટે વપરાય છે અને WHOના કહેવા મુજબ આ દવાના લાંબા ગાળાના ઉપયોગથી અને સૂર્યના સંપર્કમાં રહેવાથી ત્વચા અને હોઠના કૅન્સરનું જોખમ વધે છે, વોરીકોનાઝોલ દવા ગંભીર પ્રકારના ફૂગના ચેપના ઉપચાર માટે વપરાય છે; જ્યારે ટેક્રોલિમસ દવા અંગપ્રત્યારોપણ પછી શરીરને અંગને નકારતા અટકાવવા માટે એક રોગપ્રતિકારક દવા છે.

આ મુદ્દે ડૉક્ટરોનું કહેવું છે કે આ વર્ગીકરણ ફક્ત સંભવિત જોખમને ઓળખે છે, દરદીઓએ તાત્કાલિક દવા લેવાનું બંધ કરવાનો આદેશ નથી. આ જીવનરક્ષક દવાઓના ફાયદા ઘણા કિસ્સાઓમાં તેમનાં જોખમો કરતાં ઘણા વધારે છે. કોઈ પણ દવા બંધ કરતાં પહેલાં હંમેશાં ડૉક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે.

international news world news world health organization healthy living health tips