ગ્રીન કાર્ડ‍્સ માટેની અમેરિકન સ્કીમ માટે હજારો ધનિક ભારતીયો કતારમાં

21 September, 2022 08:56 AM IST  |  washington | Gujarati Mid-day Correspondent

૨૦૦૮થી ૩૭ અબજ ડૉલર (૨૯૪૭.૮૫ અબજ રૂપિયા)નું વિદેશી રોકાણ આકર્ષનારા અમેરિકન વિઝા પ્રોગ્રામનું કમબૅક થવા જઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

વૉશિંગ્ટન ઃ ૨૦૦૮થી ૩૭ અબજ ડૉલર (૨૯૪૭.૮૫ અબજ રૂપિયા)નું વિદેશી રોકાણ આકર્ષનારા અમેરિકન વિઝા પ્રોગ્રામનું કમબૅક થવા જઈ રહ્યું છે. ભારત અને ચીન સહિત અનેક દેશોના ધનવાન અરજીકર્તાઓની લાઇન લાંબી થઈ રહી છે. સુધારા બાદના આ ઈબી-5 પ્રોગ્રામ હેઠળ નવા વિદેશી રોકાણકારો વર્ષો સુધીની લાંબી લાઇનને તોડી શકશે. આ પહેલ હેઠળ અમેરિકન બિઝનેસમાં ખૂબ જ મોટી રકમ રોકાણ કરનાર અને ઓછામાં ઓછી ૧૦ કાયમી નોકરીનું સર્જન કરવાના બદલામાં ગ્રીન કાર્ડ મળે છે, જેમાં ખૂબ જ બૅકલોગ હતો. આખરે જૂન ૨૦૨૧માં આ પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ સ્થગિત કરાતાં ૧૫ અબજ ડૉલર (૧૧૯૫.૦૭ અબજ રૂપિયા)ના સમર્પિત રોકાણ કરવા ઇચ્છતા એક લાખ ઈબી-5 વિઝા અરજીઓ અટવાઈ ગઈ હતી.
હવે અમેરિકન લૉ ફર્મ્સ હજારો નવી અરજીઓ માટે તૈયારીઓ કરી રહી છે. આ પ્રોગ્રામ એવા સમયે ફરી શરૂ થવા જઈ રહ્યો છે કે જ્યારે વધુ ને વધુ ધનિક ચાઇનીઝ નાગરિકો તેમનો દેશ છોડીને જવાની કોશિશ કરી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન કન્સલ્ટન્ટ હેન્લી ઍન્ડ પાર્ટનર્સના અંદાજ અનુસાર લગભગ ૧૦,૦૦૦ ચાઇનીઝ નાગરિકો આ વર્ષે ચીનમાંથી તેમના ૪૮ અબજ ડૉલર (૩૮૨૪.૨૩ અબજ રૂપિયા)ને બહાર કાઢવા ઇચ્છે છે, જ્યારે લગભગ ૮૦૦૦ ધનિક ભારતીયો ભારત છોડી જવા ઇચ્છે છે. રશિયા પછી માત્ર આ બે એશિયન દેશોમાંથી જ મોટા પ્રમાણમાં ધનિકો તેમનો દેશ છોડે એવી શક્યતા છે.

world news washington