અનેક રીતે પ્રૅક્ટિકલી ઉપયોગી થાય એવું રિસર્ચ કરનાર ત્રણ સાયન્ટિસ્ટ્સને ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ એનાયત

05 October, 2022 09:35 AM IST  |  Stockholm | Gujarati Mid-day Correspondent

રૉયલ સ્વીડિશ ઍકૅડેમી ઑફ સાય​િન્સ‌સે ઍલન અસ્પેક્ટ, જૉન એફ. ક્લોસર અને ઍન્ટન ઝેઇલિંગરનાં નામની જાહેરાત કરી

ઍન્ટન ઝેઇલિંગર, જૉન એફ. ક્લોસર અને ઍલન અસ્પેક્ટ (ડાબેથી જમણે)

ત્રણ સાયન્ટિસ્ટ્સ ક્વૉન્ટમ ઇન્ફર્મેશન સાયન્સના ક્ષેત્રે તેમની કામગીરી બદલ ગઈ કાલે ફિઝિક્સમાં આ વર્ષનો નોબેલ પ્રાઇઝ સંયુક્ત રીતે જીત્યા હતા. આ ત્રણેય સાયન્ટિસ્ટ્સની કામગીરી અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે, જેમ કે એન્ક્રિપ્શનનું ક્ષેત્ર. 

રૉયલ સ્વીડિશ ઍકૅડેમી ઑફ સાય​િન્સ‌સે ઍલન અસ્પેક્ટ, જૉન એફ. ક્લોસર અને ઍન્ટન ઝેઇલિંગરનાં નામની જાહેરાત કરી હતી. નોબેલ કમિટીના મેમ્બર ઇવા ઓલસને કહ્યું કે ‘ક્વૉન્ટમ ઇન્ફર્મેશન સાયન્સ એ ધબકતું અને ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. સુર​ક્ષિત રીતે માહિતી ટ્રાન્સફર, ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ અને સેન્સિંગ ટેક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં એની વ્યાપક અને સંભવિત અસર છે.’ 
તેમણે વધુમાં કહ્યું કે ‘એણે બીજી દુનિયા માટે દરવાજા ખોલી દીધા છે. આપણે વસ્તુઓના માપની કેવી રીતે વ્યાખ્યા કરીએ છે એના પાયા હચમચાવી દીધા છે.’

​ભૌતિકશાસ્ત્રના પંડિતો સામાન્ય રીતે પહેલી નજરે સામાન્ય લોકોની જરૂરિયાતોથી સાવ અલગ હોય એવી બાબતો પર રિસર્ચ કરતા હોય એમ જણાય, જેમ કે સૂક્ષ્મ અણુઓ અને સ્પેસ અને ટાઇમની મિસ્ટરી. જોકે આ ત્રણેય સાયન્ટિસ્ટ્સનું રિસર્ચ સાયન્સના અનેક પ્રૅક્ટિકલ ઉપયોગ માટે પાયો નાખે છે. 

નોબેલ પ્રાઇઝની જાહેરાતના અઠવાડિયાની સોમવારથી શરૂઆત થઈ હતી, જ્યારે સ્વીડિશ સાયન્ટિસ્ટ સ્વાન્તે પાબોને મેડિસિનમાં આ અવૉર્ડ અપાયો હતો. 

international news