29 September, 2026 10:44 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
નેપાલમાં પર્વતનો મોટો ભાગ કાલીગંડકી નદીમાં ધસી પડતાં પ્રવાહ બ્લૉક થઈ ગયો હતો.
નેપાલમાં કુદરત ફરી એક વાર રૂઠી છે. ૨૬ ઑગસ્ટે આવેલા ભયાનક પૂરના બરાબર એક મહિના પછી ફરી નેપાલમાં ભારે વરસાદ અને લૅન્ડસ્લાઇડે તારાજી સર્જી છે. માત્ર ૩ દિવસમાં જ પૂર અને ભૂસ્ખલનને કારણે ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૪ લોકો હજી પણ લાપતા છે.
સૌથી વધુ અસર ગંડકી પ્રદેશમાં થઈ છે જ્યાં કાલીગંડકી નદીએ ભારે ખાનાખરાબી કરી છે. નદીના ધસમસતા પ્રવાહે અનેક પાકા પુલ અને ગામ તથા વસ્તીઓ સાફ કરી નાખ્યાં હતાં. નદીનું જળસ્તર વધતાં ૧૪૪ મેગાવૉટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના તમામ ગેટ ખોલી નાખવા પડ્યા હતા. હાલ વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. મનાંગ જિલ્લાના ચામે ગામમાં આંખના પલકારામાં આખાં મકાનો જમીનમાં ગરકાવ થઈ ગયાં હતાં.
દરમ્યાન મનાંગમાં આવેલા હિમલુંગ હિમાલયમાં રવિવારે હિમવર્ષા થતાં બે પર્વતારોહકોનાં મોત થયાં હતાં. આ ટ્રેકિંગ ટીમમાં ગયેલા કુલ બાવીસ લોકોમાંથી ૧૦ લોકો હજી પણ લાપતા છે. તેમની શોધખોળ માટે કાઠમાંડુથી હેલિકૉપ્ટર મોકલવામાં આવ્યું છે. આ કુદરતી કહેરને કારણે અત્યાર સુધીમાં સેંકડો મકાનો જમીનદોસ્ત થયાં છે અને ૧૫૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે.