હવે બાળકને અમેરિકન સિટિઝનશિપ મળે એટલા ખાતર જન્મ ટાણે અમેરિકા જવાનું ભૂલી જજો

07 August, 2026 06:31 PM IST  |  Washington DC | Gujarati Mid-day Online Correspondent

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મના આધારે મળતી અમેરિકી નાગરિકતા મર્યાદિત કરવા બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. નવા આદેશોમાં બર્થ ટુરિઝમ રોકવા વિઝા તપાસ કડક બનાવવા અને વિઝા ફ્રોડ બદલ આજીવન પ્રતિબંધ જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.

ફાઇલ તસવીર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી જમીન પર જન્મ લેતા બાળકોને મળતા આપમેળે નાગરિકતાના અધિકાર (બર્થરાઇટ સિટીઝનશિપ) પર લગામ લગાવવા માટે ફરી એકવાર મોટું પાસું ફેંક્યો છે. આ હેતુસર તેમણે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ગેરકાયદેસર કે અસ્થાયી રૂપે વસતા વિદેશીઓના બાળકોને મળતી નાગરિકતાની સંખ્યા મર્યાદિત કરવાનો અને ખાસ કરીને `બર્થ ટુરિઝમ` પર સંપૂર્ણ રોક લગાવવાનો છે.

સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા છતાં નવો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૂન મહિનામાં યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનની આવી જ એક અરજીને ફગાવી દેતા બર્થરાઇટ સિટીઝનશિપના બંધારણીય અધિકારને બહાલ રાખ્યો હતો. `યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વોંગ કિમ આર્ક` કેસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપતાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગેરકાયદેસર કે અસ્થાયી રીતે રહેતા વિદેશી દંપતીના બાળકો પણ જન્મજાત યુએસ નાગરિકતા મેળવવાના સંપૂર્ણ હકદાર છે. આમ છતાં, ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે આ વખતે લાવવામાં આવેલા સુધારા સંપૂર્ણપણે બંધારણીય છે.

14મા બંધારણીય સુધારાનું નવું અર્થઘટન

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલરના જણાવ્યા મુજબ, યુએસ બંધારણનો 14મો સુધારો મૂળભૂત રીતે ગૃહયુદ્ધ બાદ ગુલામોના બાળકોને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો હતો, નહિ કે તમામ વિદેશી નાગરિકોના બાળકોને આપોઆપ સભ્યપદ આપવા માટે. પ્રમુખ ટ્રમ્પ કમાન્ડર-ઇન-ચીફ તરીકેના પોતાના અધિકારનો ઉપયોગ કરીને અયોગ્ય લોકોની શ્રેણી નક્કી કરી રહ્યા છે.

નવા વિઝા નિયમો અને તેનાથી પડનારી અસરો:

કઠોર વિઝા સ્ક્રૂટિની: યુએસ કોન્સ્યુલર અધિકારીઓને એવા તમામ વિઝા નકારવા કે રદ કરવાની આકરી સૂચના આપવામાં આવી છે, જેમાં પ્રવાસનો મુખ્ય હેતુ અમેરિકામાં બાળકને જન્મ આપવાનો શંકાસ્પદ જણાય.

આજીવન પ્રતિબંધનું જોખમ: પ્રવાસી વિઝા (B-1/B-2) પર આવીને બાળકને જન્મ આપવા જેવા કિસ્સાઓને હવે `વિઝા ફ્રોડ` ગણવામાં આવશે, જેના પરિણામે સંબંધિત વ્યક્તિઓ પર અમેરિકા પ્રવેશવા માટે આજીવન બાન મુકાઈ શકે છે.

ડિપ્લોમેટ્સ અને કમર્શિયલ નેટવર્ક પર ગાજ: આ નવો આદેશ માત્ર ટુરિસ્ટો પૂરતો સીમિત નથી; વિદેશી રાજદ્વારીઓ, લોબિસ્ટ્સ અને સરકાર દ્વારા `એલિયન એનિમીઝ` જાહેર કરાયેલા લોકોના બાળકો પર પણ તેની અસર થશે. ઉપરાંત, બર્થ ટુરિઝમનો વ્યવસાય ચલાવતી એજન્સીઓ અને ફિક્સર્સ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાશે.

ડેટા વિરુદ્ધ પ્રશાસનનો દાવો

ટ્રમ્પ પ્રશાસન આ સમસ્યાને દેશ માટે એક મોટો ખતરો બતાવી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ અલગ ચિત્ર રજૂ કરે છે. માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (MPI) ના આંકડા અનુસાર, યુએસમાં કુલ જન્મોમાં બર્થ ટુરિઝમનો હિસ્સો અત્યંત નહિવત છે. વાર્ષિક અંદાજે 22,000 થી 26,000 ગર્ભવતી મહિલાઓ નાગરિકતાના હેતુથી પ્રવાસ કરતી હોવાનો અંદાજ છે, જેમાંથી સરકારી ડેટા અનુસાર 2024માં વિદેશી સરનામું ધરાવતી માતાઓ દ્વારા માત્ર 9,600 બાળકોનો જન્મ નોંધાયો હતો.

donald trump united states of america international news