ઈરાનના મોતી ગણાતા ખાર્ગ આઇલૅન્ડના સૈન્ય-બેઝ પર હુમલો કર્યાનો ટ્રમ્પનો દાવો

15 March, 2026 09:46 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

હોર્મુઝ સ્ટ્રેટ માટે નાક દબાવવા અમેરિકાએ ઈરાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પર હુમલો કર્યો અને પાછું સોશ્યલ મીડિયામાં દાવો કર્યો કે હાલમાં મેં ઑઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન નથી પહોંચાડ્યું, પણ ભવિષ્યમાં એવું થઈ શકે છે

ખાર્ગ ટાપુ પર હુમલાનો દાવો કરીને ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોનો સ્ક્રીન-શૉટ.

ઈરાનનો ૯૦ ટકા ક્રૂડ ઑઇલનો જથ્થો જે ખાર્ગ ટાપુ પર છે એના પર ગઈ કાલે હુમલો થયો હોવાનું ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પે એક વિડિયો શૅર કરીને લખ્યું હતું કે મેં આઇલૅન્ડ પર તેલમાળખાને હાનિ નહીં કરવાનું પસંદ કર્યું છે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં અટકાવશે તો તેઓ આ નિર્ણય પર પુનર્વિચાર કરી શકે છે.

‍હુમલા બાદ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને ગંભીર ધમકી આપી હતી. ટ્રમ્પે ઈરાની નેતાઓને પાગલ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ચાલો જોઈએ, આગળ શું થાય છે. ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ‘ઈરાનનું નૌકાદળ ખતમ થઈ ગયું છે, એમની ઍરફોર્સ હવે રહી નથી. મિસાઇલો, ડ્રોન અને બીજું બધું નાશ પામી રહ્યું છે અને તેમના નેતાઓને મારી નાખવામાં આવ્યા છે. અમારી પાસે અજોડ ફાયરપાવર, અમર્યાદિત દારૂગોળો અને પુષ્કળ સમય છે. જુઓ આજે આ પાગલ બદમાશોનું શું થઈ રહ્યું છે. તેઓ ૪૭ વર્ષથી સમગ્ર વિશ્વમાં નિર્દોષ લોકોને મારી રહ્યા હતા અને હવે હું અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટ તરીકે તેમને મારી રહ્યો છું. આવું કરવું કેટલા સન્માનની વાત છે.’

કેમ મહત્ત્વનો છે ખાર્ગ આઇલૅન્ડ?

ઈરાનના સમુદ્રકિનારાથી ૩૦ કિલોમીટર દૂર આવેલો આ ટાપુ ઈરાનની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્ત્વનો છે. ઈરાનનો ૯૦ ટકા તેલનો ખજાનો અહીંથી નિર્યાત થાય છે. જો અહીંના તેલના ખજાનાને નુકસાન પહોંચાડવામાં આવે તો દુનિયાભરમાં ઊર્જાને લઈને મહાસંકટ ઊભું થઈ શકે એમ છે. 

ટાપુ કબજે કરવાની શક્યતા

અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી ખાર્ગ આઇલૅન્ડને આ યુદ્ધમાં વચ્ચે ન લાવવા વિશે સાવધાની રાખી હતી, પરંતુ હવે યુદ્ધ નેક્સ્ટ લેવલ પર જઈ રહ્યું છે. સૈન્ય-બેઝ પર હુમલો કર્યા પછી અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે એને કબજે કરવાની શક્યતા પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ ટાપુ ઈરાન માટે એક મહત્ત્વપૂર્ણ ઊર્જા-કેન્દ્ર છે. અહીંથી ઈરાન ૯૦ ટકા ક્રૂડ તેલની નિકાસ કરે છે. અમેરિકાના અધિકારીએ કહ્યું હતું કે ઈરાન સામે યુદ્ધ માટે અમેરિકાથી ૨૫૦૦ મરીન કમાન્ડો અને એક વૉરશિપ મોકલવામાં આવશે. આ નિવેદન પરથી એવી શક્યતાઓ જણાઈ રહી છે કે અમેરિકા કદાચ ખાર્ગ આઇલૅન્ડની જમીન પર કબજો કરવાની વેતરણમાં છે.

ખાર્ગ આઇલૅન્ડ પર હુમલાનો ઈરાને બદલો લીધો

UAEના ફુજૈરાહમાં આવેલી સૌથી મોટી ઑઇલ ફૅસિલિટી પર ઈરાન દ્વારા ફેંકવામાં આવેલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ એનો કાટમાળ જ્યાં પડ્યો હતો ત્યાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો. 

UAEના ફુજેરાહ પોર્ટ પર ડ્રોનથી હુમલો, આગની જ્વાળાઓ દેખાઈ

ઈરાનના ખાર્ગ આઇલૅન્ડના ઑઇલ સેન્ટર પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાના કલાકો બાદ ઈરાને ગઈ કાલે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ફુજેરાહ નામના દરિયાકાંઠાના પોર્ટમાં ક્રૂડ ટર્મિનલ પર ડ્રોનથી હુમલો કર્યો હતો. ફુજેરાહ બંદરમાં આગ લાગી હતી. ફુજેરાહ એક મુખ્ય પોર્ટ અને ક્રૂડ તેલ નિકાસ ટર્મિનલ ધરાવે છે, જે પ્રાદેશિક તેલ વેપારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઑનલાઇન ફરતા વિડિયોમાં દેખાય છે કે ફુજેરાહના પોર્ટમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોનને અટકાવવામાં આવ્યા પછી પડેલા કાટમાળને કારણે આગ લાગી હતી. ઑનલાઇન પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ટુકડાઓ પડી જવાથી આગ લાગી હતી પરંતુ ઘટનાનું ચોક્કસ સ્થાન સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. UAEના સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ ઈરાની બૅલિસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો અને ડ્રોનનો સામનો કરી રહી છે. 

international news world news donald trump united states of america washington iran israel middle east crisis