09 January, 2026 09:23 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાએ ઍટલાન્ટિક મહાસાગરમાં રશિયાના ઝંડાવાળા તેલ-ટૅન્કરને જપ્ત કરી લીધા પછી અમેરિકાના હોમ ડિપાર્ટમેન્ટે આ ઑપરેશન સાથે સંકળાયેલો વિડિયો શૅર કર્યો હતો. રશિયાએ આને ખુલ્લી સામુદ્રિક લૂંટ ગણાવી હતી. ટ્રમ્પની મનમાની સામે ૭ યુરોપિયન દેશોએ પણ અવાજ ઉઠાવ્યો હતો. આ બધાને વળતો પડકાર ફેંક્યો છે ડોનલ્ડ ટ્રમ્પે. તેમણે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું, ‘અમેરિકા ભાગ્યશાળી છે કે મારા પહેલા કાર્યકાળમાં મેં આપણી સેનાને મજબૂત કરી હતી અને હજી કરી રહ્યો છું. ચીન અને રશિયા માત્ર એક જ દેશથી ડરે છે અને એ છે ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવેલા અમેરિકાથી. જો મેં હસ્તક્ષેપ ન કર્યો હોત તો આજે આખું યુક્રેન રશિયા પાસે હોત.’
નૉર્થ ઍટ્લાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)ના દેશોને આડા હાથે લેતાં ટ્રમ્પે લખ્યું હતું કે ‘એ તમામ NATO દેશોએ યાદ રાખવું જોઈએ કે પહેલાં તેઓ પોતાની GDPના માત્ર બે ટકા આપવાના હતા અને એ પણ નહોતા આપી શકતા. હું રાષ્ટ્રપતિ બન્યો એ પછી મેં તેમને સન્માનપૂર્વક પાંચ ટકા GDP સુધી પહોંચાડ્યા છે અને હવે તેઓ તરત ચુકવણી કરી પણ શકે છે. બધા લોકો કહેતા હતા કે એવું નહીં થઈ શકે, પણ એ થઈ ગયું કેમ કે મારા માટે સૌથી મહત્ત્વના મારા દોસ્ત છે. મેં એકલાએ ૮ યુદ્ધ સમાપ્ત કર્યાં, મેં લાખો જિંદગીઓ બચાવી. ભલે નૉર્વેએ મને નોબલ શાંતિ પુરસ્કર ન આપ્યો. જોકે એ યાદ રાખો કે અમેરિકા વિના રશિયા અને ચીનને NATOનો જરાય ડર નથી. મને તો શંકા છે કે જો અમને જરૂર પડી તો શું ખરેખર NATO અમારા માટે ઊભું રહેશે કે કેમ?’