27 December, 2025 09:22 AM IST | Nigeria | Gujarati Mid-day Correspondent
નાઇજીરિયા
નાઇજીરિયામાં નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવીને તેમની નિર્દયતાથી હત્યા કરનારા ઇસ્લામિક સ્ટેટ (IS)ના આતંકવાદીઓ પર ગઈ કાલે અમેરિકાએ બૉમ્બમારો કર્યો હતો. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે નૉર્થવેસ્ટ નાઇજીરિયામાં ISના આતંકવાદીઓ સામે શક્તિશાળી હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓ સોકોટો રાજ્યમાં IS કૅમ્પ પર કેન્દ્રિત હતા.
ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમેરિકન દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે મારા નિર્દેશ પર અમેરિકાએ નાઇજીરિયામાં IS આતંકવાદી જૂથ સામે એક શક્તિશાળી અને ઘાતક હુમલો શરૂ કર્યો હતો, જેઓ મુખ્યત્વે નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા હતા અને તેમની નિર્દયતાથી હત્યા કરી રહ્યા હતા, જે સદીઓમાં ક્યારેય જોવા મળ્યું નથી. અમેરિકન સૈન્યે ઘણા સચોટ હુમલા કર્યા છે. આ કાર્યવાહી આતંકવાદ પરના તેમના વ્યાપક વલણને પ્રતિબિંબિત કરે છે. મારા નેતૃત્વ હેઠળ આપણો દેશ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને ખીલવા દેશે નહીં.’
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ખ્રિસ્તીઓની હત્યા ચાલુ રહેશે તો વધુ હુમલા થશે. ટ્રમ્પે અગાઉ નવેમ્બરમાં નાઇજીરિયા સરકારને ચેતવણી આપી હતી કે જો ખ્રિસ્તીઓને સુરક્ષિત નહીં રાખવામાં આવે તો અમેરિકા કાર્યવાહી કરશે.