ઈરાન સીઝફાયર માટે તૈયાર નહીં થાય તો એને પાષાણયુગમાં ધકેલી દઈશું

03 April, 2026 11:35 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ડોનલ્ડ ટ્રમ્પે એ જ જૂનીપુરાણી વાતો કરી: અમેરિકાએ ઈરાનને જ્યારે ફાઇનલ વૉર્નિંગ આપી ત્યારે ઈરાને ઇઝરાયલને મિસાઇલોથી ધમરોળ્યું : ઈરાનના IRGCના કમાન્ડરોએ કહ્યું કે અમારી ધરતી પર પગ મૂકશો તો જીવતા નહીં છોડીએ

ડોનલ્ડ ટ્રમ્પ

ગુરુવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ઈરાનને ફાઇનલ વૉર્નિંગ આપી હતી કે હવે જો તેઓ સીઝફાયર માટે તૈયાર નહીં થાય તો ઈરાન પર એવો હુમલો કરીશું કે દેશને પાષાણયુગમાં ધકેલી દઈશું. ડોનલ્ડ ટ્રમ્પની વાતોમાં કશું જ નવું નહોતું. અત્યાર સુધી તેઓ જે ઠાલી ધમકીઓ આપતા રહ્યા છે એ જ વાતો તેમણે દોહરાવી હતી. ટ્રમ્પે ઈરાનની મિસાઇલ અને ડ્રોનક્ષમતા તથા નેવીને ખતમ કરી નાખ્યાનો દાવો કર્યો હતો. તમામ મોટા નેતા માર્યા ગયા પછી હવે સત્તાપરિવર્તન થઈ ગયાનો દાવો પણ તેમણે કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઈરાનને કોઈ પણ કાળે પરમાણુ-તાકાત નહીં જ બનવા દઈએ. જો તેઓ સમાધાન માટે રાજી નહીં થાય તો ઈરાનને એ હદે તબાહ કરી દઈશું કે પાષાણયુગમાં ધકેલાઈ જશે.’

ઈરાને સાઉદી અરેબિયા અને બાહરિન પર ભારે હુમલા કર્યા છે અને અમેરિકા તેમને એકલા નહીં છોડે એવી બાંયધરી પણ આપી હતી.

લંબાઈ રહેલા યુદ્ધમાં થતા ખર્ચ વિશે ચિંતિત અમેરિકનોને ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું માનું છું કે લોકોને આર્થિક પરેશાની થઈ રહી છે, પરંતુ આ યુદ્ધ જરૂરી છે. આ તમારાં બાળકો અને આવનારી પેઢીના ભવિષ્યમાં થયેલું રોકાણ છે.’

‍ઈરાને મિસાઇલો છોડી 

ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રને સંબોધી રહ્યા હતા ત્યારે ઈરાને ઇઝરાયલ પર અનેક શક્તિશાળી મિસાઇલો છોડી હતી. ઇઝરાયલની સેનાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી. ગઈ કાલે ઈરાને ૩ કલાકમાં ૩ વાર ઇઝરાયલનાં વિવિધ ક્ષેત્રો પર મિસાઇલો ફેંકી હતી. 

international news world news donald trump united states of america middle east crisis iran israel