26 May, 2026 09:17 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોને ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા વિનંતી કરી છે. શનિવારે તેમણે સાઉદી અરેબિયા, કતર, પાકિસ્તાન, ટર્કી, ઇજિપ્ત અને જૉર્ડનના નેતાઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. ટ્રમ્પે આ સંદર્ભમાં ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ માહિતી શૅર કરતાં લખ્યું હતું કે ‘અમેરિકાએ ઈરાન સંકટને ઉકેલવા માટે સખત મહેનત કરી છે. હવે એ જરૂરી છે કે આ બધા દેશો અબ્રાહમ અકૉર્ડ્સમાં જોડાય એટલે કે તેઓ ઇઝરાયલ સાથેના તેમના સંબંધો સુધારે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને બાહરિન પહેલેથી જ અબ્રાહમ કરારનો ભાગ છે. જ્યારે કેટલાક દેશો પાસે જોડાવા માટે એક કે બે કારણો હોઈ શકે છે ત્યારે મોટા ભાગના લોકોએ એના માટે તૈયાર રહેવું જોઈએ.’ હકીકતમાં પાકિસ્તાન સહિત આ મુસ્લિમ દેશોએ હજી સુધી ઇઝરાયલને માન્યતા આપી નથી. આ દેશો ઇઝરાયલ સાથે વેપાર કે રાજદ્વારી સંબંધો સહિત કોઈ પણ પ્રકારના સંબંધો જાળવી રાખતા નથી.
આગરાના ૪૧ ડિગ્રી તાપમાનમાં અમેરિકાના વિદેશપ્રધાને પત્ની સાથે ૪૫ મિનિટ તાજમહલમાં ગાળી
ગઈ કાલે સવારે અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો પત્ની જેનેટ રુબિયો સાથે તાજમહલ જોવા પહોંચ્યા હતા. ગઈ કાલે આગરામાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીનો હતો. જોકે એ પછી પણ માર્કો રુબિયોએ ખૂબ રુચિ સાથે તાજમહલમાં ૪૫ મિનિટ ગાળી હતી. પ્રસિદ્ધ ડાયના બેન્ચ પર યુગલે તસવીર પણ ખેંચાવી હતી. તાજમહલની સુંદરતાથી પ્રભાવિત થયેલાં જેનેટ રુબિયોએ કહ્યું હતું કે નેક્સ્ટ ટાઇમ બાળકોને લઈને જોવા આવીશ અને સૂર્યોદયના સમયે તાજના નજારાનો આનંદ લઈશ.