14 September, 2025 12:07 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
પ્રીત કૌર ગિલ
બ્રિટનના શહેર ઓલ્ડબરીમાં મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યે ટેમ રોડ પર બે પુરુષોએ ૨૦ વર્ષની સિખ મહિલા પર બળાત્કાર કર્યો હતો. દુષ્કર્મ કર્યા બાદ તેમણે જાતિવાદી કમેન્ટ કરીને યુવતીને તેના દેશમાં પાછા ચાલ્યા જવાની ધમકી આપી હતી. બળાત્કાર કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસ આરોપીઓને શોધી રહી છે. કેસની ફૉરેન્સિક તપાસ પણ ચાલી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક સિખ સમુદાયના લોકોમાં ગુસ્સો છે. જેના પર બળાત્કાર થયો હતો તે યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ બ્રિટિશ હતા.
અગાઉ આશરે એક મહિના પહેલાં પણ બ્રિટનમાં સિખ સમુદાય સામે હિંસાનો બનાવ નોંધાયો હતો. ૩ યુવાનોએ વોલ્વરહૅમ્પ્ટન રેલવે-સ્ટેશનની બહાર રસ્તા પર સિખ સમુદાયના બે લોકોને માર માર્યો હતો. એક સિખની પાઘડી પણ ઉતારી દેવામાં આવી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો.
બ્રિટિશ સંસદસભ્યે નિંદા કરી
આ ઘટનાની આકરી ટીકા કરીને બ્રિટિશ સંસદસભ્ય પ્રીત કૌર ગિલે જણાવ્યું હતું કે ‘આ એક જઘન્ય ગુનો છે. આ વંશીય ભેદભાવનો પણ મામલો છે, જેમાં યુવતીને કહેવામાં આવ્યું હતું કે તે આ દેશની નથી. સિખ સમુદાય સહિત તમામ સમુદાયોને સુરક્ષિતતા અનુભવવાનો સંપૂર્ણ અધિકાર છે. ઓલ્ડબરી જેવી ઘટના બ્રિટનમાં ક્યાંય ન બનવી જોઈએ.’