01 November, 2026 08:05 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
હોર્મુઝની ખાડી
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં વેપારી જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધે એવા ખાસ કરીને ભારત માટે ચિંતા વધારતા સમાચાર આવ્યા હતા. ૩૦ ઑક્ટોબરે પનામાનો ધ્વજ ધરાવતા તેલ ટૅન્કર MT લુઇસ-1 પર લિમ્પેટ માઇન્સ એટલે કે ચુંબકીય બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર ૨૭ ભારતીય નાવિકો સવાર હતા. ધડાકા બાદ ટૅન્કરના એન્જિન-રૂમમાં આગ લાગી હતી, જેના પર ક્રૂ-મેમ્બર્સે કાબૂ મેળવી લીધો હતો. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.
આ અગાઉ ૨૯ ઑક્ટોબરે પણ એક તેલ ટૅન્કર MT અરઝાનાહ પર પણ પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હતો. એમાં બે ભારતીય નાગરિકો હતા. બન્ને જહાજો પરના કુલ ૨૯ ભારતીય નાવિકો સુરક્ષિત છે. અહેવાલ મુજબ ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ લિમ્પેટ માઇન્સ દ્વારા થયેલો આ પહેલો સફળ હુમલો હતો. એક નાની હોડી ટૅન્કર નજીક આવીને બે ચુંબકીય વિસ્ફોટક લગાવીને જતી રહી હતી. યુનાઇટેડ કિંગડમ મૅરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ (UKMTO) અનુસાર આ ઘટના ઓમાનથી આશરે ૪૬ કિલોમીટર દૂર બની હતી.