✕

ટર્કીના જહાજ પર રશિયાનાં બે ડ્રોન ત્રાટક્યાં, ભારતીય કૅપ્ટનનું મોત

06 October, 2026 12:23 PM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ વૉટર્સમાં મકાઈ લઈ જતા સિવિલિયન જહાજમાંથી ૧૧ ક્રૂ-મેમ્બરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની ઝેલેન્સ્કીની જાહેરાત

જહાજ

ઇન્ટરનૅશનલ વૉટર્સમાં મકાઈ લઈને જઈ રહેલા ટર્કીની માલિકીના એક સિવિલિયન જહાજ પર રશિયાનાં બે ડ્રોન ત્રાટકતાં જહાજના ભારતીય કૅપ્ટનનું મોત થયું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રશિયન ડ્રોન-હુમલાનો ભોગ બનેલા ટર્કીના આ જહાજમાં ભારત અને અઝરબૈજાનના નાગરિકો સવાર હતા.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xની પોસ્ટમાં જહાજના કૅપ્ટનના મોત બદલ શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘કમનસીબે આ હુમલામાં જહાજના કૅપ્ટને જીવ ગુમાવ્યો હતો, જ્યારે જહાજમાં સવાર અન્ય એક વ્યક્તિની સ્થિતિ વિશે હજી તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં જહાજમાંથી ૧૧ ક્રૂ-મેમ્બરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને બચાવાયેલા લોકોમાંથી એક ક્રૂ-મેમ્બર જખમી થયો છે.’

turkey vladimir putin international news world news