22 February, 2026 10:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની એક વૈધાનિક સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ ભારતભરમાં ૩૨ સંસ્થાઓને નકલી યુનિવર્સિટીઓ તરીકે ઓળખી કાઢી છે અને ચેતવણી આપી છે કે એમના દ્વારા અપાયેલી ડિગ્રીઓ રોજગાર અને ઉચ્ચ શિક્ષણ માટે અમાન્ય છે. દિલ્હીમાં સૌથી વધુ ૧૨ આવી સંસ્થાઓ છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોનો ક્રમ આવે છે. વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતાં પહેલાં સંસ્થાઓની માન્યતાની સ્થિતિ ચકાસવા વિનંતી કરવામાં આવી છે.
કમિશને જણાવ્યું હતું કે આ સંસ્થાઓ કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર તરફથી માન્યતા ધરાવતી નથી. UGC કાયદાની કલમ 2(f) અને 3 ટાંકીને નોટિસમાં ભાર મૂકવામાં આવ્યો છે કે આ સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલી ડિગ્રીઓની કોઈ કાનૂની માન્યતા નથી. મહારાષ્ટ્રમાં નાગપુરની રાજા અરેબિક યુનિવર્સિટી અને સોલાપુરની રાષ્ટ્રીય પછાત કૃષિ વિદ્યાપીઠનો આ લિસ્ટમાં સમાવેશ છે.