એક રાતમાં ૧૦૦૦ ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો યુક્રેને

18 May, 2026 08:34 AM IST  |  Ukraine | Gujarati Mid-day Correspondent

સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ઑઇલ રિફાઇનરીને બનાવ્યાં નિશાન, એક ભારતીય સહિત ચારનાં મોત

પ્રતીકાત્મક તસવીર

યુક્રેને શનિવારે રાતે રશિયાના અનેક વિસ્તારોમાં ૧૦૦૦થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ આ હુમલામાં કમસે કમ ૪ લોકો મૃત્યુ પામ્યા હતા. એમાં એક ભારતીયે પણ જીવ ગુમાવ્યો છે. રશિયામાં ભારતીય દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી હતી.

રશિયન અધિકારીઓએ કહ્યું હતું કે યુક્રેનના ડ્રોન-હુમલામાં મૉસ્કોમાં ૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૨ લોકો ઘાયલ થયા હતા. હુમલાઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, ઑઇલ રિફાઇનરીઓ અને સૈન્યનાં ઠેકાણાંઓ પર થયા હતા. યુક્રેને દાવો કર્યો હતો કે તેમણે રશિયાના કબજામાં રહેલા ક્રીમિયા પર પણ હુમલો કરીને ઍરફીલ્ડ ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમનાં હૅન્ગર અને ડ્રોન કન્ટ્રોલ સિસ્ટમને નિશાન બનાવ્યાં હતાં.

UAEના ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન-અટૅક- શંકાની સોય ઈરાન ભણી, પરંતુ હજી સુધી હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અલ ધફરા વિસ્તારમાં આવેલા બરાકાહ ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટની બહાર ડ્રોનથી હુમલો થવાથી વીજળીના એક જનરેટરમાં આગ લાગી હતી. સ્થાનિક મીડિયા એજન્સીના કહેવા મુજબ આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી અને ન્યુક્લિયર પ્લાન્ટની સુરક્ષા અને રેડિયેશન સ્તરમાં પર પણ કોઈ અસર નથી થઈ. જોકે જ્યાં ડ્રોન પડ્યું હતું ત્યાં આગ લાગવાથી ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ હુમલાની જવાબદારી કોઈ દેશ કે સંગઠને લીધી નથી, પરંતુ હાલના સંજોગોમાં ઈરાને હુમલો કર્યો હોવાની શંકા છે. ઈરાન ઘણા સમયથી UAEને ધમકી આપી રહ્યું હતું. 

international news world news ukraine russia united arab emirates