14 September, 2025 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર- એએફપી
પૅલેસ્ટીનની સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે એનો સ્વતંત્ર દેશ બને એવા ફ્રાન્સના પ્રસ્તાવ પર યુનાઇટેડ નેશન્સમાં શુક્રવારે ભારત સહિત ૧૪૨ દેશોએ એના પક્ષમાં મતદાન કર્યું હતું. આ ઠરાવનો ૧૦ દેશોએ વિરોધ કર્યો હતો અને ૧૨ દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આ મામલે ભારતનું વલણ એક સાર્વભૌમ, સ્વતંત્ર અને સધ્ધર પૅલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાને સમર્થન આપવાનો છે, જે માન્ય સરહદોની અંદર સુરક્ષિત ઇઝરાયલી રાજ્ય સાથે શાંતિથી રહી શકે. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે ‘‘બે લોકો, બે રાજ્યો : ઇઝરાયલ અને પૅલેસ્ટીન’ શાંતિ અને સુરક્ષામાં સાથે-સાથે રહે છે. આને વાસ્તવિકતા બનાવવાની જવાબદારી આપણા બધાની છે.’
ફ્રાન્સ અને સાઉદી અરેબિયા બાવીસમી સપ્ટેમ્બરે ન્યુ યૉર્કમાં ઇઝરાયલ-પૅલેસ્ટીન સંઘર્ષનાં બે રાજ્ય ઉકેલ પર ઉચ્ચ સ્તરની પરિષદની સહઅધ્યક્ષતા કરશે, જેનો હેતુ આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્રિત કરવાનો છે.