અજ્ઞાત દોસ્તે અમેરિકાના સૈનિકોની સૅલેરી માટે આપ્યું ૧૧૦૦ કરોડ રૂપિયાનું ડોનેશન

26 October, 2025 09:45 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

દાતા પોતાનું નામ જાહેર કરવા નથી માગતા એટલે ડોનલ્ડ ટ્રમ્પે તેમને દેશભક્ત જાહેર કર્યાઃ અટકળો લાગી રહી છે કે ગુપ્ત દાતા ઈલૉન મસ્ક હશે કે આઇઝૅકમૅન?

ડોનલ્ડ ટ્રમ્પ

શટડાઉનને કારણે સરકાર પાસે પૈસા નથી ઃ દાતા પોતાનું નામ જાહેર કરવા નથી માગતા એટલે ડોનલ્ડ ટ્રમ્પે તેમને દેશભક્ત જાહેર કર્યાઃ અટકળો લાગી રહી છે કે ગુપ્ત દાતા ઈલૉન મસ્ક હશે કે આઇઝૅકમૅન?

અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગૉને શુક્રવારે જણાવ્યું હતું કે એણે સૈનિકોની સૅલેરી માટે ૧૩૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૧૦૦ કરોડ રૂપિયા એક સીક્રેટ ડોનર પાસેથી સ્વીકાર્યા છે. આ ડોનેશન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના એક અજાણ્યા દોસ્તે આપ્યું છે જેથી સરકારી શટડાઉન દરમ્યાન સૈનિકોને પગાર મળતો રહે. આ પહેલાં ગુરુવારે વાઇટ હાઉસમાં ડોનલ્ડ ટ્રમ્પે ગુપ્ત દાનની વાત કરી હતી અને દાતાને દેશભક્ત કહ્યો હતો. તેમણે પણ ડોનરનું નામ નહોતું કહ્યું, કેમ કે દાતા પોતાની ઓળખ છુપાવવા માગે છે. 

પેન્ટાગૉનના પ્રવક્તા શૉન પાર્નેલે કહ્યું હતું કે આ પૈસા સૈનિકોના પગાર અને તેમની અન્ય સુવિધાઓ માટે વાપરવામાં આવશે. જોકે ૧૩૦ મિલ્યન ડૉલર સૈનિકોના પગાર માટે જોઈતા અબજો રૂપિયાની તુલનામાં ઘણા ઓછા છે. ગયા અઠવાડિયે ટ્રમ્પ સરકારે ૬.૫ અબજ ડૉલરની તજવીજ કરીને સૈનિકોને પગાર આપ્યો હતો.

જોકે હવે આ ડોનેશનને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે. ગુપ્ત દાતા કોણ હશે? કેટલાકને લાગી રહ્યું છે કે આ કામ વિશ્વના રિચેસ્ટ મૅન ઈલૉન મસ્કનું હોવું જોઈએ, જ્યારે કેટલાકને લાગે છે કે શિફ્ટ4 કંપનીના CEO જેરેડ આઇઝૅકમૅન પણ દાતા હોઈ શકે છે. 

અમેરિકામાં શટડાઉન કેમ છે?

અમેરિકામાં પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલા સરકારી શટડાઉનને પચીસ દિવસ થઈ ગયા છે. ડેમોક્રૅટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી બન્ને વચ્ચે ઓબામા હેલ્થકૅર સબસિડી પ્ર‍ોગ્રામને લઈને વાત અટકી ગઈ છે. ડેમોક્રૅટ્સ ઇચ્છતા હતા કે હેલ્થકૅર સબસિડી વધારવામાં આવે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને ડર છે કે જો સબસિડી વધારવામાં આવશે તો સરકારને ખર્ચ માટે વધુ પૈસાની જરૂર પડશે અને અન્ય સકારી કામો પર એની અસર થશે.

international news world news donald trump united states of america