અમેરિકાએ રણનીતિ બદલી : સાઉદી અરબમાંથી પેટ્રિયટ મિસાઇલો હટાવી

14 September, 2021 10:09 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાના અર્થતંત્ર પર કોરોના મહામારીને કારણે ગંભીર અસર

જો બાઈડન

અમેરિકાએ રણનીતિમાં ફેરફાર કર્યો છે તેનું એક મહત્ત્વનું કારણ કોરોના મહામારી છે. કોરોના મહામારીની પણ અમેરિકન અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. તેથી અમેરિકાએ ઓછામાં ઓછા દેશો પર સૈનિકોની નિયુક્તિ કરીને અમેરિકન સૈન્ય ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ કારણથી પણ અમેરિકા વિવિધ દેશોમાં નિયુક્ત તેના સૈનિકો અને તેના સંરક્ષણ સાધનો હટાવી રહ્યું છે. તેને હવે દુશ્મન નંબર-૧ અને ૨ની દૃષ્ટિએ તેની રણનીતિ બનાવવા ફરજ પડી છે.

અમેરિકાએ ૨૦૧૯ના અંતમાં સાઉદી અરબમાં તેની અત્યાધુનિક એડવાન્સ ઍર ડિફેન્સ સિસ્ટમ અને હજારો સૈનિકો તહેનાત કર્યા હતા. તે સમયે હુતી બળવાખોરોના સાઉદીની ક્રૂડ ઑઈલ કંપની પર હુમલાના કારણે ક્રૂડનું ઉત્પાદન ઘટી ગયું હતું અને આખી દુનિયામાં ક્રૂડ ઑઈલના ભાવમાં અસાધારણ વધારો થયો હતો.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવી લીધાના એક જ મહિનામાં અમેરિકાએ સાઉદી અરેબિયામાં ગોઠવેલી પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ અને ટર્મિનેટ હાઈ એલ્ટિટ્યુડ એરિયલ ડિફેન્સ સિસ્ટમ હટાવી દીધી છે.

સાઉદી અરેબિયા પરના યમનના હુતી બળવાખોરોના હુમલા છતાં ડિફેન્સ સિસ્ટમ હટાવવાના અમેરિકાના નિર્ણયથી વૈશ્વિક જગત આશ્ચર્યચકિત છે અને બધાના મનમાં એક જ સવાલ છે કે બાઇડન તંત્રે આ પગલું કેમ ઉઠાવ્યું? જોકે સૂત્રોનું કહેવું છે કે અમેરિકાએ હવે તેના સૌથી મોટા દુશ્મન ચીનને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડતાં પ્રશાંત મહાસાગરમાં ચીનનો વધતો પ્રભાવ રોકવા ઑસ્ટ્રેલિયામાં પેટ્રિયટ મિસાઇલો ગોઠવી છે.

international news united states of america saudi arabia