વેનેઝુએલાની સરકાર દર મહિને અમેરિકાને બજેટ આપશે ત્યારે જ તેલમાંથી રળેલા પૈસા વાપરવા મળશે

31 January, 2026 08:50 AM IST  |  Caracas | Gujarati Mid-day Correspondent

વાઇટ હાઉસે અપ્રૂવ કરેલી રકમનો અકાઉન્ટ સંભાળવાનો વહીવટ કતરના હાથમાં

ફાઇલ તસવીર

વેનેઝુએલાનું જ તેલ વેચીને એ પૈસાનો તમામ વહીવટ પોતાના હાથમાં રાખવાની વ્યવસ્થા અમેરિકાએ ગોઠવી નાખી છે. વેનેઝુએલાની વચગાળાની સરકાર દર મહિને અમેરિકાને બજેટ અને એનો હિસાબ આપશે ત્યારે એને પૈસા મળશે. મતલબ કે એક-એક રૂપિયો તેમણે ક્યાં ખર્ચ્યો કે ખર્ચવા માગે છે એ અમેરિકાના વાઇટ હાઉસથી અપ્રૂવ થયેલું હોવું જોઈએ. અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ન્યુ યૉર્ક ટાઇમ્સને આપેલી જાણકારી મુજબ હાલમાં શરૂઆતમાં પૈસા જે ખાતામાં રાખવામાં આવશે એ કતર દેશ સંભાળશે.

ડેમોક્રૅટિક પાર્ટીના સંસદસભ્યોએ આ વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું હતું કે કતર અને વેનેઝુએલા એકમેકથી હજારો માઇલ દૂર છે ત્યારે એ સ્પષ્ટ નથી થતું કે આ વ્યવસ્થા કાનૂની અને પારદર્શક કઈ રીતે છે? જોકે આ વ્યવસ્થા અમેરિકાએ વચગાળાની વ્યવસ્થા તરીકે કરવી પડી છે એવું જણાવતાં માર્કો રુબિયોએ કહ્યું હતું કે વેનેઝુએલા પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હોવાથી વેનેઝુએલાના પૈસા બીજા દેશ પાસે જાય એ જરૂરી છે. વળી જો પૈસા સીધા અમેરિકા પાસે આવ્યા તો વેનેઝુએલાને પૈસા આપનારા અમેરિકાના લોકો કાયદાકીય રીતે એના પર દાવો કરી શકે છે.

આ સંજોગોમાં અમેરિકા વેનેઝુએલાના પૈસા પર આડકતરું નિયંત્રણ રાખશે. વેનેઝુએલાની વચગાળાની સરકારે તેમના જ પૈસા વાપરવા માટે અમેરિકા પાસેથી અપ્રૂવલ લેવી પડશે. 

જો વેનેઝુએલાના માદુરોની જેમ ટ્રમ્પને કોઈ ઉપાડી જાય તો એ ઍક્ટ ઑફ વૉર ગણાશે? : સેનેટમાં અમેરિકાના વિદેશપ્રધાનને પુછાયેલા આ સવાલનો યોગ્ય જવાબ ન મળ્યો

વેનેઝુએલા પર અમેરિકન સેનેટની સુનાવણીમાં અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ જુબાની આપતાં વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડને વ્યૂહાત્મક ગણાવી હતી અને એ ‘ઍક્ટ ઑફ વૉર’ ન હોવાનો દાવો કર્યો હતો.

રિપબ્લિકન સેનેટર રૅન્ડ પૉલે માર્કો રુબિયોને પ્રશ્ન કર્યો હતો કે ‘શું વેનેઝુએલાના પદભ્રષ્ટ પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને પકડવા એ ‘ઍક્ટ ઑફ વૉર’ હતો કે નહીં? જો કોઈ વિદેશી દેશ આપણા હવાઈ-સંરક્ષણ પર બૉમ્બમારો કરે, આપણા પ્રેસિડન્ટને પકડી લે અને આપણા દેશની નાકાબંધી કરે તો શું એ ‘ઍક્ટ ઑફ વૉર’ હશે?’ 
માર્કો રુબિયો જોકે આ સવાલનો સંતોષકારક ઉત્તર નહોતા આપી શક્યા.

donald trump united states of america venezuela qatar international news world news