૧૦ ટકા ટૅરિફના મામલે ડોનલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો

09 May, 2026 12:40 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકન કોર્ટે એને ગેરકાનૂની ગણાવી, ટૅક્સની રકમ પાછી ચૂકવવાનો આદેશ

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગુરુવારે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મોટો કાનૂની ઝટકો લાગ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ કોર્ટે ટ્રમ્પે તાજેતરમાં લગાવેલી ૧૦ ટકા વૈશ્વિક ટૅરિફને ગેરકાયદે જાહેર કરી હતી. 

ગયા મહિને કોર્ટે ૨૪ રાજ્યો અને અસંખ્ય નાના વેપારીઓ દ્વારા દાખલ કરાયેલા કેસમાં દલીલો સાંભળી હતી, જેમણે ૧૦ ટકા ટૅરિફને પડકારી હતી. આ ટૅરિફ ૨૪ ફેબ્રુઆરીથી અમલમાં આવી હતી. ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા એક આદેશમાં ટ્રમ્પે ૧૯૭૪ના વેપાર કાયદાની કલમ ૧૨૨નો ઉપયોગ કર્યો હતો. આ કાયદો ચુકવણી સંતુલનની ખાધ અથવા ડૉલરના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો અટકાવવા માટે ૧૫૦ દિવસ સુધી ટૅરિફ લાદવાની મંજૂરી આપે છે. જોકે ટ્રેડ કોર્ટે ૨-૧ની બહુમતીથી ચુકાદો આપ્યો છે કે પ્રેસિડન્ટે આ દાયકાઓ જૂના કાયદાનો દુરુપયોગ કર્યો છે.

પાંચ દિવસની અંદર રીફન્ડ

કોર્ટનો આ નિર્ણય હાલમાં ફક્ત એ પક્ષોને લાગુ પડે છે જેમણે પ્રશાસન સામે કોર્ટમાં પડકાર દાખલ કર્યો હતો. ન્યાયાધીશોએ પ્રતિવાદીઓને પાંચ દિવસની અંદર આદેશનું પાલન કરવા અને કેસમાં સામેલ આયાતકારોને રીફન્ડ આપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને ઑટોમોબાઇલ્સ જેવાં ક્ષેત્રો પર લાદવામાં આવેલી ટૅરિફ યથાવત્ રહેશે, કારણ કે એ સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવતી નથી.

કોર્ટ ઑફ અપીલ્સમાં પડકારી શકાશે

અમેરિકાનો ન્યાયવિભાગ હવે આ નિર્ણયને અમેરિકાની કોર્ટ ઑફ અપીલ્સમાં પડકારી શકે છે. જોકે અપીલ કોર્ટે અગાઉના ટૅરિફ વિવાદમાં ટ્રમ્પ પ્રશાસન સામે ચુકાદો આપ્યો હતો. આ કેસ ગયા વર્ષના વ્યાપક કરને સુપ્રીમ કોર્ટે રદ કર્યા પછી લાદવામાં આવેલી કામચલાઉ ૧૦ ટકા ટૅરિફ પર કેન્દ્રિત છે. વર્તમાન ટૅરિફ ૨૪ જુલાઈએ સમાપ્ત થવાની છે.

 

donald trump tariff international news white house united states of america us president