09 April, 2026 10:14 AM IST | America | Gujarati Mid-day Correspondent
અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથ
ઈરાનની ૮૦ ટકા વાયુ રક્ષાપ્રણાલી ખતમ, અમેરિકાનાં માત્ર ૧૦ ટકા હથિયારો જ વપરાયાં
અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને કૅપિટલ અક્ષરમાં V સાથેની વિક્ટરી મળી હોવાનું જણાવીને કહ્યું હતું કે ‘ઑપરેશન એપિક ફ્યુરીમાં અમેરિકાની ઐતિહાસિક અને જબરદસ્ત જીત થઈ.’
પ્રેસ-કૉન્ફરન્સમાં પીટ હેગસેથે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આપેલી ડેડલાઇન નજીક હતી ત્યારે ઈરાને સામેથી યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિએ આ ક્ષણને સંભવ બનાવી હતી. ઑપરેશન એપિક ફ્યુરીએ ઈરાનની સેનાને પૂરી રીતે તબાહ કરી નાખી છે. ઈરાન પાસે હવે ૮૦ ટકા વાયુ રક્ષાપ્રણાલી નાશ પામી છે. ૪૦ દિવસથી પણ ઓછા સમયમાં અમેરિકાની કુલ ક્ષમતાનાં માત્ર ૧૦ ટકા હથિયારો વાપરીને આ સંભવ બન્યું. ઈરાનમાં ૧૩,૦૦૦થી વધુ ઠેકાણાંઓ પર હુમલો કરવામાં આવ્યો. ૯૦ ટકાથી વધુ ટ્રેડિશનલ અને ૯૦ ટકા આધુનિક હથિયારોનાં કારખાનાં નષ્ટ કરી નાખ્યાં છે.’
૩૯ દિવસમાં અમેરિકન સૈનિકોએ ૬૦ લાખ ડિશ ખાધું તથા ૯,૫૦,૦૦૦ ગૅલન કૉફી અને ૨૦ લાખ એનર્જી ડ્રિન્ક પીધાં
અમેરિકાના જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ જનરલ ડૅન કેઇને ૩૯ દિવસના યુદ્ધમાં અમેરિકી સૈન્યએ ઉપયોગ કરેલી કરેલી ચીજો વિશે કહ્યું હતું કે ‘ઈરાનના યુદ્ધ દરમ્યાન અમેરિકાના ટ્રુપે ૬૦ લાખ ડિશ ભોજન લીધું હતું. અંદાજે ૯,૫૦,૦૦૦ ગૅલન કૉફી અને ૨૦ લાખ એનર્જી ડ્રિન્ક્સ અને ખૂબબધું નિકોટિન વાપર્યું હતું. જોકે એમાં કોઈ વાંધો નથી.’
ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી અને ઈરાને વિજય જાહેર કર્યો
ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા બે અઠવાડિયાંના યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે આ કરારને વિજય ગણાવ્યો હતો. ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે જો ઈરાન સામે હુમલા બંધ કરવામાં આવે તો આપણાં સશસ્ત્ર દળો રક્ષણાત્મક કામગીરી બંધ કરશે. બે અઠવાડિયાંના સમયગાળા માટે ઈરાનનાં સશસ્ત્ર દળો સાથે સંકલન અને તકનીકી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત માર્ગ શક્ય બનશે. અરાગચીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનો પણ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન વતી હું પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફીલ્ડમાર્શલ મુનીરનો આ ક્ષેત્રમાં યુદ્ધનો અંત લાવવાના તેમના અથાગ પ્રયાસો બદલ આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.