04 December, 2025 12:03 PM IST | California | Gujarati Mid-day Online Correspondent
પ્રથમ બે ફૂટેજમાં જોઈ શકાય છે કે ફાઈટર જેટ આગનો ગોળો બની ગયું છે. ત્રીજા ફૂટેજમાં પાઈલટ પેરેશૂટની મદદથી બહાર નીકળેલો જણાય છે.
અમેરિકાના લડાકુ વિમાન એફ-૧૬ (US Fighter Jet Crash) સાથે બહુ જ મોટી દુર્ઘટના બની છે. રિપોર્ટ અનુસાર બુધવારે ફાઈટર જેટ એફ-૧૬ કૅલિફોર્નીયાના ટ્રોના એરપોર્ટ પાસે ક્રેશ થઇ ગયું હતું. ત્યાંના સમય મુજબ સવારે 10.45 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઇ હતી. ડેથ વેલીની દક્ષિણે આવેલા રેતાળ વિસ્તારમાં આ ફાઈટર જેટ ક્રેશ થઇ ગયું હતું.
ફાઈટર જેટ ક્રેશ (US Fighter Jet Crash) થયા બાદ જમીન સાથે બહુ જ જોરથી અથડાયું હતું. અથડાયા બાદ ફાઇટર જેટમાં બ્લાસ્ટ થયો હતો. ક્ષણવારમાં તો ફાઈટર જેટમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં સદનસીબે વિમાન ક્રેશ થયું તે પહેલાં પાયલટ સલામત રીતે બહાર આવી ગયો હતો માટે તેનો આબાદ બચાવ થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પાયલટ એફ-૧૬ સી ફાઇટીંગ ફાલ્કન એરક્રાફ્ટમાંથી તે ક્રેશ થાય તેની પહેલાં જ બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. આ આખી જ ઘટના કેમેરામાં પણ કેદ થઇ છે. ફૂટેજ સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઇ રહ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પાયલટ પેરાશૂટમાંથી સલામત રીતે વિમાનમાંથી બહાર આવી જાય છે, ત્યાર બાદ વિમાન ધડામ દઈને જમીન પર પટકાય છે. જોકે, પાયલોટને હળવી ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે રિજક્રેસ્ટની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અહેવાલો સૂચવે છે કે છ થંડરબર્ડ્સ જેટ તાલીમ મિશન માટે નીકળ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર પાંચ જ જેટ સલામત રીતે તાલીમ પૂરી કરીને પરત ફર્યા હતા. શરુઆતમાં એવી માહિતી મળી હતી કે વિમાન ચાઇના લેક નેવલ એર વેપન્સ સ્ટેશન પાસે ક્રેશ (US Fighter Jet Crash) થયું છે, આ વિસ્તારનો ઉપયોગ મોટેભાગે લશ્કરી તાલીમ માટે કરાતો હોય છે.
શું ખાસિયતો છે આ ફાઈટર જેટની?
એફ-૧૬ ફાઇટીંગ ફાલ્કન (US Fighter Jet Crash)ની થંડરબર્ડ્સના એર શો અને તાલીમ મિશનમાં મહત્વની ભૂમિકા હોય છે. વાયુસેનાની 57મી વિંગ પબ્લિક અફેર્સ ઓફિસ અનુસાર આ દુર્ઘટના કઈ રીતે થઇ તે પાછળના કારણોની તપાસ ચાલી રહી છે અને દુર્ઘટનાસ્થળની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. એફ-૧૫ ફાઈટર જેટે બીજી ફેબ્રુઆરી, ૧૯૭૪ના રોજ પહેલીવાર ઉડાન ભરી હતી. ૨૧મી જુલાઈ ૧૯૮૦ રોજ આ જેટને `ફાઇટિંગ ફાલ્કન` એવું નામ અપાયું હતું. ૧૯૭૬થી અત્યાર સુધી આવાં ચાર હજારથી પણ વધારે એફ-૧૬ વિમાનો અલગ અલગ દેશ માટે બનાવવામાં આવ્યા છે. તેની સ્પીડની વાત કરીએ તો ૨૪૧૪ કિલોમીટર પ્રતિ કલાક છે. તેની રેન્જ ૪૨૨૦ કિમી છે. અદ્યતન રડાર સિસ્ટમ અને હથિયારોથી સજ્જ આ ફાઈટર જેટ હવામાંથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.