13 August, 2026 10:02 AM IST | Massachusetts | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા (United States of America) ના મેસેચ્યુસેટ્સ (Massachusetts) માં ૧૭ વર્ષીય ભારતીય મૂળના કિશોરની પોતાના ઘરમાં માતા અને ૧૪ વર્ષીય ભાઈની બેવડી હત્યા કરવાના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે આ હત્યાકાંડ પહેલાં શંકાસ્પદ આરોપીએ ઓનલાઈન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ચેટજીપીટી (ChatGPT) નો ઉપયોગ કરીને પોતાના પરિવારની હત્યા કરવાના કાલ્પનિક વિચારો અને સિદ્ધાંતો સર્ચ કર્યા હતા.
આ દુઃખદ ઘટના મંગળવાર, ૧૧ ઓગસ્ટની સાંજે સામે (Indian origin teen charged with murdering mother, brother in Massachusetts) આવી હતી. જ્યારે શંકાસ્પદ આરોપીના પિતાએ માર્થા લેન સ્થિત તેમના ઘરે `વેલફેર ચેક` (પરિવારની ખબર-અંતર પૂછવા) માટે એક્ટન પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. પિતાએ જણાવ્યું હતું કે તેઓ તેમની ૪૫ વર્ષીય પત્ની સુધા વેંકટેશન અને ૧૪ વર્ષીય નાના પુત્ર સિદ્ધાર્થ અરવિંદ સાથે સંપર્ક કરી શકતા નહોતા. દિવસ દરમિયાન ટ્યુશન માટે ઘરે આવેલા ટ્યુટરને પણ દરવાજો બંધ મળ્યો હતો અને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
ઘરમાં પ્રવેશતા જ પોલીસ અધિકારીઓને પહેલા માળે સિદ્ધાર્થ અને બેઝમેન્ટમાંથી સુધા મૃત હાલતમાં મળી આવ્યા હતા. મિડલસેક્સ ડિસ્ટ્રિક્ટ એટોર્ની મરિયન રાયનના જણાવ્યા અનુસાર, બંને પીડિતોના શરીર પર ઈજાના ગંભીર નિશાન હતા. કયા હથિયારથી અને કયા કારણસર મૃત્યુ થયું છે તે જાણવા માટે સત્તાવાળાઓ ચીફ મેડિકલ એક્ઝામિનરના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
આરોપી ૧૭ વર્ષીય અર્જુન અરવિંદ (Arjun Aravind) પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગાયબ હતો. તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે તે તેની માતાની ગ્રીન કલરની હોન્ડા એકોર્ડ કાર લઈને ભાગી ગયો હતો, જેના પગલે પોલીસ એજન્સીઓ અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
બુધવાર, ૧૨ ઓગસ્ટની વહેલી સવારે પાડોશી વેલેન્ડ શહેરની પોલીસે એક પાર્કિંગ લોટમાં ઉભેલી હોન્ડા એકોર્ડ કાર જોઈ હતી, જેમાં અર્જુન અંદર હાજર હતો. પોલીસે કોઈ પણ વિરોધ વિના તેની અટકાયત કરી લીધી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન, ડિસ્ટ્રિક્ટ એટોર્ની મરિયન રાયન અને એક્ટન પોલીસ ચીફ ડગલસ સ્ટર્નિઓલોએ કિશોરની પ્રવૃત્તિઓ અંગે ચિંતાજનક વિગતો જાહેર કરી હતી. તપાસકર્તાઓને જાણવા મળ્યું કે અર્જુને આ હુમલા પહેલાં ચિંતાજનક માનસિક વર્તણૂક દર્શાવી હતી, જેમાં તેણે ChatGPT અને સર્ચ એન્જિન પર પોતાના પરિવારના સભ્યોની હત્યા કરવા સંબંધિત કાલ્પનિક પરિસ્થિતિઓ અને તકનીકો વિશે સર્ચ કર્યું હતું.
ડિસ્ટ્રિક્ટ એટોર્ની રાયને આ બેવડી હત્યાને આઘાતજનક ઘટના અને પિતા તથા સ્થાનિક સમાજ માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ ગણાવી હતી. પોલીસે એ પણ નોંધ્યું હતું કે અર્જુન અગાઉના વર્ષે ઘરેથી ભાગી ગયો હોવાથી સ્થાનિક પોલીસ તેનાથી પરિચિત હતી.
અર્જુન અરવિંદ સામે હત્યાના બે ગુના, પરિવારના સભ્યો પર હુમલો અને મારપીટના બે ગુના, ગેરકાયદેસર રીતે વાહનનો ઉપયોગ અને વાહનની ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે.
વાહનની ચોરીના કેસમાં કિશોરને બુધવારે લોવેલ જૂવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેસેચ્યુસેટ્સમાં જૂવેનાઇલ કોર્ટ પાસે હત્યાના કેસો ચલાવવાની ક્ષમતા ન હોવાથી, અર્જુન સામે હત્યા અને હુમલાના આરોપો માટે કોનકોર્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.