અમેરિકાની પોતાના તમામ નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની અપીલ

22 September, 2026 09:44 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ એશિયામાં યુદ્ધની વધતી આશંકાઓ વચ્ચે અમેરિકાએ કડક ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ એશિયામાં યુદ્ધની વધતી આશંકાઓ અને ઈરાન સાથેના તનાવ વચ્ચે અમેરિકાએ એક કડક ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી છે. અમેરિકન પ્રશાસને પોતાના નાગરિકોને કોઈ પણ સંજોગોમાં ઈરાનનો પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી છે. ઉપરાંત હાલમાં ઈરાનમાં રહેલા તમામ અમેરિકનોને તાત્કાલિક દેશ છોડી દેવાનો આદેશ કર્યો છે. ઈરાનમાં આવેલા અમેરિકાના વર્ચ્યુઅલ દૂતાવાસે સુરક્ષા-અલર્ટ જાહેર કરીને ફ્લાઇટ રદ થવાની કે હવાઈ ક્ષેત્ર પરનાં નિયંત્રણોની ચેતવણી આપી છે.

દૂતાવાસે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના નાગરિક ઍરપોર્ટ પર પણ હુમલા કર્યા છે. આ સૈન્ય-સંઘર્ષ ગમે ત્યારે વધુ વણસી શકે છે. આ ઉપરાંત ઈરાન અથવા એનાં સમર્થિત સંગઠનો સમગ્ર વિશ્વમાં અમેરિકન હિતો અને વેપારી મથકોને નિશાન બનાવી શકે એવી શક્યતા છે.

અમેરિકાના વિદેશ વિભાગે નાગરિકોને કટોકટીના સમયે તાત્કાલિક માહિતી મેળવવા માટે સ્માર્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામ (STEP)માં નોંધણી કરાવવાની વિનંતી કરી છે. જો હવાઈ હુમલો થાય તો નાગરિકોને કાચની બારીઓથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે.

પોતાના નાગરિકોને ઈરાનની અપીલ: લાંબા યુદ્ધ માટે તૈયાર રહો 

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને તેના સાથી દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને મોટી ચેતવણી આપી છે. ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા સાથે તેમનું યુદ્ધ હજી પૂરું થયું નથી. ઈરાની સેનાઅે લાંબા ગાળાના યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હોવાનો પણ દાવો કર્યો હતો. IRGCના સેકન્ડ બ્રિગેડિયર જનરલ હુસૈન મોહેબ્બીએ ઈરાન પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે એવો દાવો કરીને નાગરિકોને પણ લાંબા યુદ્ધ માટે તૈયાર રહેવા અપીલ કરી હતી. જનરલ મોહેબ્બીએ દાવો કર્યો હતો કે આ સંઘર્ષમાં અમેરિકા અને ઇઝરાયલ તેમનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે અમેરિકાની નિષ્ફળતાનું ઉદાહરણ આપતાં કહ્યું કે વિશ્વનું સૌથી મોટું નૌકાદળ હોવા છતાં અમેરિકા વ્યૂહાત્મક જળમાર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવામાં નિષ્ફળ ગયું છે.

international news world news iran united states of america asia