06 January, 2026 10:19 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાનાં વચગાળાનાં પ્રેસિડન્ટ ડેલ્સી રૉડ્રિગ્ઝને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેઓ યોગ્ય કામ નહીં કરે તો તેમણે કદાચ નિકોલસ માદુરો કરતાં પણ ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડ કરવા માટે અમેરિકાએ મિલિટરી ઑપરેશન ચલાવ્યું હતું એના વિરોધમાં ડેલ્સીએ અવાજ ઉઠાવ્યો હતો. નિકોલસ માદુરોને ન્યુ યૉર્ક સિટી જેલની સેલમાં રાખવામાં આવ્યા છે.
રવિવારે સવારે મૅગેઝિન સાથેના ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘જો ડેલ્સી વૉશિંગ્ટનનો વિરોધ કરશે તો એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. અમને ડેલ્સી રૉડ્રિગ્ઝની જરૂર છે. અમને સંપૂર્ણ ઍક્સેસની જરૂર છે. અમને તેમના દેશમાં તેલ અને અન્ય વસ્તુઓની ઍક્સેસની જરૂર છે જેથી અમે તેમના દેશનું પુન: નિર્માણ ઝડપથી કરી શકીએ. વેનેઝુએલા કદાચ અમેરિકન હસ્તક્ષેપનો સામનો કરનાર છેલ્લો દેશ નહીં હોય.’
વચગાળાનાં પ્રેસિડન્ટ ડેલ્સી રૉડ્રિગ્ઝે જાહેર કર્યું હતું કે ‘વેનેઝુએલા પોતાનાં કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા તૈયાર છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશનું સંરક્ષણ-નેતૃત્વ માદુરોની નીતિઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે. આપણે ફરી ક્યારેય કોઈ દેશની કૉલોની નહીં બનીએ.’