અમેરિકામાં અનેક વિદ્યાર્થીઓને અચાનક આંચકો

31 March, 2025 07:07 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રાતોરાત વીઝા રદ : સેંકડો સ્ટુડન્ટ્સને સેલ્ફ ડિપૉર્ટેશન દ્વારા દેશ છોડવાની ઈ-મેઇલ મળી: ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ

અમેરિકા

અમેરિકામાં અભ્યાસ કરતા સેંકડો વિદેશી સ્ટુડન્ટ્સને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ (DOS) દ્વારા એક ઈ-મેઇલ મળી હતી જેમાં તેઓ કૅમ્પસ ઍક્ટિવિઝમમાં સામેલ હોવાને કારણે તેમના સ્ટુડન્ટ વીઝા રદ કરવામાં આવ્યા હોવાનું અને તેમને જાતે જ અમેરિકા છોડી દેવાનું જણાવવામાં આવ્યું હતું. આવી ઈ-મેઇલ મળી છે એમાં ભારતીય સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ છે.

આ મુદ્દે ઇમિગ્રેશન ઍટર્નીઓએ જણાવ્યું હતું કે પહેલાં જે લોકો કૅમ્પસ ઍક્ટિવિઝમમાં સામેલ થતા હતા તેમની સામે આવી કાર્યવાહી કરવામાં આવતી હતી, પણ હવે સોશ્યલ મીડિયામાં દેશવિરોધી પોસ્ટને લાઇક કરનારા અથવા શૅર કરનારા સ્ટુડન્ટ્સને પણ નિશાનમાં લેવાયા છે.

ગૃહસચિવ માર્કો રુબિયોએ આ મુદ્દે નવી પહેલ શરૂ કરી છે. રુબિયો દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ‘કૅચ ઍન્ડ રિવોક’ કાર્યક્રમ હેઠળ ત્રણ અઠવાડિયાંમાં ૩૦૦થી વધારે વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા રદ થયા છે. અમેરિકામાં હાલમાં ૧૫ લાખ વિદેશી સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે.

કૉન્સ્યુલેટના અધિકારીઓ જણાવી રહ્યા છે કે હવે માત્ર સ્ટુડન્ટના F વીઝા નહીં માટે M (બિઝનેસ વીઝા) અને J (એક્સચેન્જ વીઝા) શ્રેણી માટે પણ સોશ્યલ મીડિયા સમીક્ષા થઈ રહી છે. અમેરિકામાં આવતા લોકો સ્ટુડન્ટ્સ બનીને આવે અને યુનિવર્સિટીમાં તોડફોડ કરે, બીજા સ્ટુડન્ટ્સને હેરાન કરે, ચળવળમાં ભાગ લે અથવા હંગામો કરે તો તેમના વીઝા રદ થશે.

international news world news united states of america washington donald trump Education