ખાલિસ્તાની અમ્રિતપાલ સિંહને જેલમાંથી બહાર કાઢવા માટે શરૂ થયા અમેરિકામાં પ્રયાસ

13 June, 2024 01:51 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

કમલા હૅરિસને મળ્યો સિખ વકીલ : પંજાબની ખડૂર સાહિબ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવારને બે લાખ મતથી હરાવનાર આ સંસદસભ્ય સામે NSAની કલમો હેઠળ કેસ નોંધાયો છે

ખાલિસ્તાની અમ્રિતપાલ સિંહ

આસામની દિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક નેતા અમ્રિતપાલસિંહ લોકસભાની ચૂંટણીમાં જીતીને સંસદસભ્ય બની ગયો છે એવા સમયે હવે તેને જેલમાંથી છોડાવવા માટે અમેરિકામાં ઝુંબેશ શરૂ થઈ છે. ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ અમ્રિતપાલ સિંહને ૨૦૨૩ના એપ્રિલ મહિનામાં પંજાબના મોગામાં સરેન્ડર કર્યા બાદ પકડી લેવામાં આવ્યો હતો અને તેના પર નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમેરિકન સિખ વકીલ જસપ્રીત સિંહે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસની મુલાકાત લીધી હતી અને અમ્રિતપાલને જેલમાંથી છોડાવવા હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે.

જસપ્રીત સિંહે જણાવ્યું હતું કે ‘મારું માનવું છે કે અમ્રિતપાલની ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડેલા અમ્રિતપાલની પ્રચંડ જીત થઈ છે અને તેણે પંજાબમાં ખડૂર સાહિબ બેઠક પર કૉન્ગ્રેસના કુલબીર સિંહને બે લાખ કરતાં વધારે મતથી હરાવ્યા છે. તેની ધરપકડ માનવાધિકારો પર ગંભીર સવાલ ઊભા કરે છે. ગયા બે-ત્રણ મહિનામાં હું કમલા હૅરિસને બે વાર મળ્યો છું અને ઇમિગ્રેશન સહિતની અનેક બાબતો પર ચર્ચા કરી છે.’

અમ્રિતપાલને જેલમાંથી છોડાવવા માટે જસપ્રીત સિંહ હવે અમેરિકન સંસદસભ્યો પર દબાવ બનાવવાની કોશિશ કરશે.

assam united states of america international news