૭૨ કલાકમાં બીજી વાર અમેરિકાએ ઈરાન પર કર્યો હુમલો

29 May, 2026 02:23 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

ઈરાને કરેલા વળતા અટૅકમાં અમેરિકાએ ઈરાનનાં ૪ ડ્રોન તોડી પાડ્યાં હોવાનો કર્યો દાવો, ઈરાને એક મિસાઇલ કુવૈત ભણી દાગી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને બીજી તરફ અમેરિકાનું સૈન્ય ઈરાનનાં સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવી રહ્યું છે. એક અમેરિકી અધિકારીએ ન્યુઝ-એજન્સીને જણાવ્યા મુજબ અમેરિકાની સેનાએ બુધવારે રાતે ઈરાનમાં નવેસરથી હુમલો કર્યો છે એમાં એક એવા સૈન્ય ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું છે જે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની આર્મી પર હુમલો કરી શકે એવો ખતરો હતો.

એક તરફ શાંતિમંત્રણાની વાતો ચાલે છે અને અમેરિકાના સૈન્યએ ઈરાનના અબ્બાસ બંદર પાસેના સૈન્ય ઠેકાણા પર અટૅક કર્યો હતો. આ સૈન્ય બેઝ પરથી ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં હાજર અમેરિકાની સેના અને કમર્શિયલ સમુદ્રી આવ-જા પર કાર્યવાહી કરી શકે એમ હોવાથી અમેરિકાએ એ ખતરો ટાળવા માટે આ પગલું ભર્યું હતું. 

 અમેરિકન ઍરબેઝ અને કુવૈત પર ઈરાનનો વળતો વાર 
અમેરિકા-ઈરાન વચ્ચેના માંડ શાંત પડેલા વાતાવરણમાં ફરીથી ફ્યુઅલ રેડાઈ રહ્યું છે. અમેરિકાએ કરેલા હુમલા પછી ઈરાને પણ વળતો હુમલો કર્યો હતો. ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકાના ઍરબેઝ પર અટૅક કર્યો હતો. એક્ઝૅક્ટ્લી કયા ઍરબેઝ પર હુમલો થયો હતો એની પુષ્ટિ થઈ 
શકી નથી. સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે પાંચ વાગ્યે વળતી કાર્યવાહી થઈ હતી. ઈરાને અમેરિકાના ઍક્ટિવ ઍરબેઝ પર મિસાઇલો છોડી હતી. 
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે ઈરાને કુવૈત તરફ બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી જે કુવૈતી સેનાએ તોડી પાડી હતી. આ મિસાઇલ હુમલા પહેલાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારોમાં પાંચ વન-વે ડ્રોન-અટૅક કર્યા હતા એ પણ અમેરિકાના સૈન્યએ ખાળી લીધા હતા. અમેરિકાએ આ હુમલાને સીઝફાયરનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું.

ઈરાન સાથેની ડીલ ક્યાં અટકી છે? 
વાતચીતનો દોર ચાલી રહ્યો છે ત્યારે આ પ્રકારના હુમલા કરીને અમેરિકા સતત એ સંદેશ આપવા માગે છે કે જ્યાં સુધી અમારાં લક્ષ્યો હાંસલ થાય એ મુજબની ડીલ નહીં થાય ત્યાં સુધી અમે માનવાના નથી. ઈરાન સાથેની મંત્રણાથી તેઓ કેટલા નારાજ છે એ વિશે ડોનલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘ઈરાનના ઇરાદા ખૂબ મજબૂત છે. તેઓ સમાધાન કરવા માગે છે, પણ એમની શરતો પર. હું એનાથી સંતુષ્ટ નથી. અમે કાં તો આ ડીલ પર રાજી થઈશું અથવા તો પછી અમારું મિશન પૂરું કરીશું.’ 

લેબૅનન પર ઇઝરાયલ ફરી ત્રાટક્યું, ૧૬ જણનાં મોત

લેબૅનનનો દક્ષિણ ભાગ ઇઝરાયલના બૉમ્બમારાને કારણે હવે લગભગ ખાલી થઈ ચૂક્યો છે. ગુરુવારે દક્ષિણ લેબૅનનમાં થયેલા ઇઝરાયલી હુમલામાં ૧૬ લોકો માર્યા ગયા હતા અને ૫૮ જણ ઘાયલ થયા હતા. લેબૅનનની સરકારી નૅશનલ ન્યુઝ-એજન્સીએ કહ્યું હતું કે ‘મરનારાઓમાં ૬ જણ એક જ પરિવારના છે. તેઓ વહેલી સવારે હાઇવેના માર્ગે ભાગવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ડ્રોન હુમલામાં માર્યા ગયાં હતા.’ ઇઝરાયલે આ વિસ્તારમાં બૉમ્બમારો વધારી દીધો છે. રહેણાક વિસ્તારો, રોડ અને સિવિલિયન સ્ટ્રક્ચર્સ તબાહ થઈ ગયાં છે.

international news world news united states of america israel iran