07 May, 2025 07:02 AM IST | San Diego | Gujarati Mid-day Online Correspondent
અમેરિકામાં ડંકી મારનારી બોટ (તસવીર: X)
અમેરિકાના સાન ડિએગો શહેર નજીક દરિયા કિનારે પેસિફિક મહાસાગરમાં ગરકાયદેસર રીતે સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક નાનકડી હોડી પલટી જતાં ત્રણ લોકોના મોત થયા છે અને બે ભારતીય બાળકો સહિત સાત અન્ય લોકો ગુમ થયા હોવાના સમાચાર છે. સોમવારે કેલિફોર્નિયાના સાન ડિએગો શહેરના ડાઉનટાઉનથી લગભગ 15 માઇલ ઉત્તરમાં, ટોરી પાઇન્સ સ્ટેટ બીચ પર ઓછામાં ઓછા 16 લોકોને લઈ જતી હોડી પલટી ગઈ હતી.
યુએસ કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કોસ્ટ ગાર્ડ સેક્ટર સાન ડિએગોના વોચસ્ટેન્ડર્સે સવારે લગભગ 6:30 વાગ્યે સ્થાનિક ડિસ્પેચમાંથી પંગા-સ્ટાઈલનો બોટ પલટી ગઈ હોવાના અહેવાલ મેળવ્યા હતા, જેમાં જણાવાયું હતું કે ત્રણ વ્યક્તિઓ બીમાર મળી આવ્યા છે અને ચાર વધુને તબીબી સહાયની જરૂર છે." આ ઘટનામાં ઈજાગ્રસ્ત બચી ગયેલા લોકોની મુલાકાત લીધા પછી, પ્રથમ પ્રતિભાવ આપનારાઓ નક્કી કરી શક્યા કે લગભગ સાત વધુ વ્યક્તિઓ ગુમ થયા છે, નિવેદનમાં જણાવાયું છે. કોસ્ટ ગાર્ડ સેક્ટર સાન ડિએગો વોચસ્ટેન્ડર્સે ત્યારબાદ ઍર સ્ટેશન સાન ડિએગો MH-60 જેહોક હૅલિકૉપ્ટર, સ્ટેશન સાન ડિએગો 45-ફૂટ રિસ્પોન્સ બોટ-મીડિયમ, ઍર સ્ટેશન સેક્રામેન્ટો C-27 સ્પાર્ટન ઍરક્રાફ્ટ અને કટર સી ઓટરને ગુમ થયેલા વ્યક્તિઓની શોધમાં મદદ કરવા માટે મોકલવાનો નિર્દેશ આપ્યો હતો, એમ તેમાં જણાવાયું છે.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ,X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે સવારે કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક દરિયા કિનારે ટોરી પાઈન્સ સ્ટેટ બીચ નજીક બોટ પલટી જવાની દુ:ખદ ઘટના વિશે જાણીને અમને ખૂબ જ દુઃખ થયું છે. આ દુર્ઘટનાથી એક ભારતીય પરિવાર પણ પ્રભાવિત થયો છે. જ્યારે બે ભારતીય બાળકો ગુમ છે, ત્યારે માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હૉસ્પિટલ લા જોલામાં સારવાર લઈ રહ્યા છે," તેમાં જણાવાયું હતું. કોન્સ્યુલેટે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે. "અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ દુર્ઘટનાના પીડિતો સાથે છે," મિશને જણાવ્યું હતું.
કોસ્ટ ગાર્ડના અધિકારીએ ત્યની એક ન્યૂઝ ચૅનલને જણાવ્યું હતું કે તે તેને શંકાસ્પદ માનવ તસ્કરીની ઘટના તરીકે ગણી રહ્યું છે. આ ઘટનામાં ઘાયલ થયેલા ચાર લોકોને હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. એન્સિનિટાસના ડેપ્યુટી ફાયર ચીફ જોર્જ સાંચેઝે સીએનએનને જણાવ્યું હતું કે તેમની ઇજાઓ હળવાથી ગંભીર સુધીની છે. કોસ્ટ ગાર્ડે સોમવારે રાત્રે તેની શોધ સ્થગિત કરી દીધી હતી.