10 January, 2026 01:17 PM IST | Caracas | Gujarati Mid-day Correspondent
વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો
વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની એક હૅન્ડ-વૉચે હમણાં ઇન્ટરનેટ-યુઝર્સને ચર્ચાનો રસપ્રદ વિષય પૂરો પાડ્યો છે. બન્યું છે એવું કે નિકોલસ માદુરોને અમેરિકાએ તાબે કર્યા ત્યારથી તેમની નવી-જૂની, પબ્લિક-પ્રાઇવેટ તસવીરોનો ઇન્ટરનેટ પર રાફડો ફાટ્યો છે. એમાં પણ ખાસ કરીને તેમની હિન્દુ ધર્મ સાથેની ઘનિષ્ઠતા દર્શાવતી તસવીરોએ ભારતમાં લોકોનું સૌથી વધારે ધ્યાન ખેંચ્યું છે. હવે એ વાત તો જગજાહેર છે કે માદુરોનાં પત્ની ભારતના સત્ય સાંઈબાબાનાં ભક્ત હતાં અને એને કારણે માદુરો પણ સાંઈબાબાના અનુયાયી હતા. સાંઈબાબાનાં ચરણોમાં બેઠા હોય અને હાથમાં નાડાછડી પહેરેલી દેખાતી હોય એવા તેમના ફોટો વાઇરલ થઈ ચૂક્યા છે. તાજેતરમાં આવો બીજો એક ફોટો પણ ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે, જેમાં નિકોલસ માદુરોએ હાથમાં પહેરેલી ઘડિયાળ પર સૌનું ધ્યાન ગયું છે. આ ઘડિયાળમાં ગણપતિબાપ્પાનું સુંદર ચિત્ર જોઈ શકાય છે. ઘણાબધા લોકોએ આ ઘડિયાળ અત્યંત મોંઘી અને લક્ઝરી બ્રૅન્ડની હોવાના દાવા કર્યા હતા, પણ એની ખાતરી મળી નથી. જોકે એટલી વાત સ્પષ્ટ છે કે વેનેઝુએલાના પ્રેસિડન્ટની આ ઘડિયાળમાં ગણેશજીનું ચિત્ર છે. આ ચિત્રમાં કલરફુલ ગણપતિબાપ્પાને કલમ અને પોથી સાથે વેદોનું લખાણ કરતા દર્શાવવામાં આવ્યા છે.