ઈબોલા શું છે? કૉન્ગોમાં ઈબોલા વાઇરસથી ૮૦ લોકોનાં મૃત્યુ, ૨૪૬ અન્ય શંકાસ્પદ કેસો નોંધાયા

18 May, 2026 08:20 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ઇમર્જન્સી જાહેર કરી ઃ યુગાન્ડા, સુદાન અને કેન્યામાં અલર્ટ

ઈબોલાનો વાવર ફાટ્યા પછી કૉન્ગોમાં સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ આફ્રિકાના દેશ કૉન્ગોમાં ઈબોલા વાઇરસને કારણે અત્યાર સુધીમાં ૮૦ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને હજી ૨૪૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ ગઈ કાલે ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી હતી. અલબત્ત, આ કોઈ મહામારીની કૅટેગરી નથી. કૉન્ગોમાં ઈબોલા વાઇરસનો ફેલાવો એક જ પ્રાંતનાં ત્રણેક ગામોમાં ફેલાઈ ચૂક્યો છે. 

કૉન્ગોમાં પહેલી વાર ૧૯૭૬માં ઈબોલા વાઇરસની બીમારી જોવા મળી હતી. એ પછી તાજેતરમાં આ વાઇરસે સત્તરમી વાર દેખા દીધી છે. કૉન્ગોમાં અત્યાર સુધી જાયરે સ્ટ્રેન પ્રકારનો વાઇરસ જોવા મળ્યો છે અને એને લગતી રસીઓ પણ બનાવવામાં આવી છે. જોકે હાલમાં ચિંતાનું કારણ એટલા માટે પણ છે કેમ કે આ વખતે વાઇરસનો નવો બુંડીબુગ્યો નામનો સ્ટ્રેન છે જેનું કોઈ મારણ કે રસી હજી સુધી નથી શોધાઈ. 

ઈબોલા શું છે?

આ એક રૅર, ખૂબ જ ચેપી અને જીવલેણ વાઇરસ છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિના લોહી, ઊલટી, મળ, પેશાબ, લાળ કે પસીનાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત કપડાં, પથારી, મેડિકલ ઉપકરણોના સ્પર્શથી પણ એ ફેલાય છે. અંતિમ સંસ્કાર દરમ્યાન શબના શરીર પરના ફ્લુઇડના સંપર્કમાં આવવાથી પણ વાઇરસ ફેલાઈ શકે છે. આ વાઇરસ કોરોનાની જેમ હવાથી આસાનીથી ફેલાતો નથી. આ વાઇરસનો ચેપ લાગ્યાનાં બેથી ૩ વીક પછી અચાનક હાઈ-ગ્રેડ ફીવર આવે છે અને ખૂબ નબળાઈ આવી જાય છે. સ્નાયુઓમાં અને માથામાં દુખાવો થાય છે. ગળામાં તકલીફ, ઝાડા-ઊલટી અને ત્વચા પર રૅશિસ થઈ જાય છે. બીમારી વકરે તો નાક, મોં, મળ વાટે લોહીનો સ્રાવ થઈ શકે છે.

international news world news africa healthy living world health organization kenya