અમેરિકામાં હુમલાખોરે જેને છોડાવવા ચાર જણને બંધક બનાવ્યા હતા એ ‘લેડી અલ કાયદા’કોણ છે?

17 January, 2022 09:28 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

પોલીસ સાથે અથડામણના અમુક કલાક બાદ તમામ બંધકોને સુર​ક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા

આફિયા સિદ્દીકી

અમેરિકાના ટેક્સસના કોલીવિલ સિટીમાં એક હથિયારધારીએ શનિવારે રાત્રે યહૂદીઓના એક પ્રાર્થનાસ્થળે ઘૂસીને એક આતંકવાદીને મુક્ત કરવાની માગણી સાથે ચાર જણને બંધક બનાવી લીધા હતા. પોલીસ સાથે અથડામણના અમુક કલાક બાદ તમામ બંધકોને સુર​ક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. 
કોલીવિલ પોલીસવડા માઇકલ મિલરે જણાવ્યું હતું કે એફબીઆઇની હોસ્ટેજ રેસ્ક્યુ ટીમના મેમ્બર્સ આ પ્રાર્થનાસ્થળે પ્રવેશ્યા અને બાકી રહેલા ત્રણ બંધકોને મુક્ત કર્યા હતા. આ હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો હતો. આ હુમલાખોરે શરૂઆતમાં ચાર જણને બંધક બનાવ્યા હતા. ૬ કલાક પછી એક બંધક મુક્ત થયો હતો. 
સ્થાનિક રિપોર્ટર્સે જણાવ્યું હતું કે તેમણે વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા, જે ગ્રેનેડનો અવાજ હોઈ શકે છે. ગનફાયરનો પણ અવાજ સંભળાયો હતો. 
ટેક્સસના ગવર્નર ગ્રેગ ઍબોટે જણાવ્યું હતું કે પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. તમામ બંધકો જીવંત અને સેફ છે. એફબીઆઇએ જણાવ્યું હતું કે તેમણે આ હુમલાખોરની ઓળખ કન્ફર્મ કરી છે, પરંતુ તેઓ એ જાહેર નહીં કરે. એફબીઆઇએ આ હુમલાખોરનું મોત કેવી રીતે થયું એના વિશે પણ કંઈ જણાવ્યું નથી. 
કોલીવિલ પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઇમર્જન્સી કૉલ્સ આવવાનું શરૂ થયા પછી તરત જ એફબીઆઇએ એ હુમલાખોરનો કૉન્ટૅક્ટ કર્યો હતો, જેણે જણાવ્યું હતું કે હું ફેડરલ જેલમાં કેદ એક મહિલા સાથે વાત કરવા માગું છું. 
હુમલાખોરે દોષી આતંકવાદી આફિયા સિદ્દીકીને મુક્ત કરવાની માગણી કરી હતી, જે લેડી અલ-કાયદા તરીકે જાણીતી છે. આફિયાની અફઘાનિસ્તાનમાં ૨૦૦૮માં અમેરિકન મિલિટરી ઑફિસર્સને શૂટ કરવાની કોશિશના આરોપસર અટકાયત કરવામાં આવી હતી. મેનહટનમાં ૨૦૧૦માં તેને દોષી જાહેર કરાઈ હતી અને ૮૬ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 
આફિયા પાકિસ્તાની ન્યુરોસાયન્ટિસ્ટ છે, જેણે અમેરિકાની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુશન્સ-બ્રાનડેઇસ યુનિવર્સિટી અને મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાંથી સ્ટડી કરી છે. ૨૦૦૮માં અફઘાનિસ્તાનની ઑથોરિટીઝ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી બૉમ્બ બનાવવા માટેની વિગતો જણાવતી હૅન્ડરિટન નોટ્સ મળી આવી હતી, સાથે જ હુમલો કરવા માટે અમેરિકાનાં જુદાં-જુદાં લોકેશન્સની યાદી પણ હતી. 

international news texas