અમેરિકામાં વિન્ટર સ્ટૉર્મ એઝરાએ સર્જી તારાજી

01 January, 2026 10:09 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

બરફવર્ષા, ટૉર્નેડો અને ભારે પવન ફૂંકાયા; ૬૦૦૦ ફ્લાઇટ્સને અસર, ૭૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ

પ્રતીકાત્મક તસવીર

શક્તિશાળી વિન્ટર સ્ટૉર્મ એઝરાને કારણે સેન્ટ્રલ અને ઈસ્ટર્ન અમેરિકામાં હાહાકાર મચી ગયો છે. આ પ્રદેશોમાં ભારે બરફવર્ષા થઈ છે. ટૉર્નેડો અને હિંસક પવનો ફૂંકાવાને કારણે લેક એરીમાં દરિયામાં જોવા મળે એવાં મોજાં ઊછળી રહ્યાં છે. બફેલોની કોસ્ટલાઇનને ભારે નુકસાન થયું છે અને વીજળીપુરવઠો ખોરવાઈ ગયો છે. ૬૦૦૦થી વધારે ફ્લાઇટ્સ મોડી પડી હતી જ્યારે ૭૫૧ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ગયા શુક્રવારથી વિન્ટર સ્ટૉર્મની અસરને પગલે ૩૬૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ ચૂકી છે અને ૩૦,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે.

આ વાવાઝોડું મુસાફરીના વર્ષના સૌથી વ્યસ્ત સમયગાળામાં ત્રાટક્યું છે એથી પ્રવાસીઓની હાલત સૌથી વધારે કફોડી બની છે અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકો બાય રોડ પણ પ્રવાસ કરી શકે એમ નથી. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે વાવાઝોડું તીવ્ર બનશે; એના કારણે હિમવર્ષા, પૂર અને વિસ્કૉન્સિનથી માઈને સુધીના ભારે પવનો લાવશે.

કઠોર હવામાનને કારણે હાઇવે-ટ્રાફિક પણ ખોરવાયો હતો. નબળી વિઝિબિલિટી અને રસ્તા પર બરફવર્ષાને કારણે ઘણા હાઇવે પર સંખ્યાબંધ અકસ્માતો નોંધાયા હતા. પ્રશાસને ડ્રાઇવરોને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી હતી.

international news world news united states of america Weather Update