તાલિબાનનો નિર્ણય : મહિલાઓ આ શરત સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે

12 September, 2021 06:13 PM IST  |  Kabul | Gujarati Mid-day Online Correspondent

અફઘાનિસ્તાનના નવા શાસકોએ સરકારની રચના કર્યાના ઘણા દિવસો બાદ મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં નવી નીતિઓ રજૂ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

અફઘાનિસ્તાનમાં મહિલાઓ અનુસ્નાતક સ્તર સહિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ ચાલુ રાખી શકે છે, પરંતુ વર્ગખંડ લિંગના આધારે અલગ હશે અને ઇસ્લામિક ડ્રેસ ફરજિયાત હશે, તેવી માહિતી નવી તાલિબાન સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ આપી છે.

અફઘાનિસ્તાનના નવા શાસકોએ સરકારની રચના કર્યાના ઘણા દિવસો બાદ મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં નવી નીતિઓ રજૂ કરી હતી. 1990ના દાયકાના અંતમાં તાલિબાન સત્તામાં પ્રથમ વખતથી કઈ હદ સુધી અલગ રીતે કાર્ય કરી શકે છે તે જોવા માટે વિશ્વની નજર તેના પર હતી. તે સમય દરમિયાન, છોકરીઓ અને સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા અને જાહેર જીવનમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા.

તાલિબાનોએ સૂચવ્યું છે કે તેઓ મહિલાઓ પ્રત્યેના તેમના વલણ સહિત બદલાયા છે. જોકે, તેઓએ સમાન અધિકારોની માંગ કરતી મહિલા પ્રદર્શનકારીઓ સામે તાજેતરના દિવસોમાં હિંસાનો પ્રયોગ કર્યો છે. હક્કાનીએ કહ્યું કે તાલિબાન ઘડિયાળને 20 વર્ષ પાછળ ફેરવવા માંગતા નથી. “આજે જે અસ્તિત્વમાં છે તેના પર અમે નિર્માણ કરવાનું શરૂ કરીશું.” તેમ તેણે કહ્યું હતું. જોકે, યુનિવર્સિટીની મહિલા વિદ્યાર્થીઓને તાલિબાન હેઠળ પ્રતિબંધનો સામનો કરવો પડશે, જેમાં ફરજિયાત ડ્રેસ કોડનો પણ સમાવેશ થાય છે. હક્કાનીએ જણાવ્યું હતું કે હિજાબ ફરજિયાત રહેશે પરંતુ તે સ્પષ્ટ કર્યુ નથી કે આનો અર્થ ફરજિયાત હેડસ્કાર્ફ હશે કે પછી ચહેરો પણ ઢાંકવો પડશે.

તેણે કહ્યું કે, “અમે છોકરા અને છોકરીઓને સાથે ભણવા આપીશું નહીં. અમે સહ-શિક્ષણને મંજૂરી આપીશું નહીં.” હક્કાનીએ કહ્યું કે યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતા વિષયોની પણ સમીક્ષા કરવામાં આવશે. તાલિબાનો તેમના અગાઉના શાસન દરમિયાન સંગીત અને કલા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

international news afghanistan taliban