19 August, 2026 11:48 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ઍરક્રાફ્ટ એક્સ વન
ઇલેક્ટ્રિક એવિયેશન ક્ષેત્રે એક અત્યંત મહત્ત્વની સિદ્ધિ હાંસલ થઈ છે. સ્વીડનની કંપની હાર્ટ ઍરૉસ્પેસ દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા સંપૂર્ણ પણે બૅટરી-સંચાલિત ઍરક્રાફ્ટ એક્સ વનની પ્રથમ સફર સફળ રહી છે. ન્યુ યૉર્ક રાજ્યમાં પ્લૅટ્સબર્ગ શહેરના ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી આ ૩૦ સીટવાળા વિમાને માત્ર બૅટરીની મદદથી ૨૭ મિનિટ સુધી ઉડાન ભરી હતી.
આ અદ્યતન વિમાનની ખાસિયતો અત્યંત પ્રભાવશાળી છે. પચીસ હજાર પાઉન્ડ વજન અને ૧૦૬ ફુટની વિશાળ પાંખો ધરાવતું આ ઍરક્રાફ્ટ ૧૧૦૦ ફુટની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. આ વિમાન એક મેગાવૉટથી વધુ પાવર ઉત્પન્ન કરતી શક્તિશાળી ઇલેક્ટ્રિક બૅટરીથી ચાલે છે. અજમાયશ વખતે અંદર મુસાફરો નહોતા, માત્ર એક પાઇલટ હાજર હતો.
કંપનીના સ્થાપક અને ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અૅન્ડર્સ ફોર્સલુન્ડે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભવિષ્યમાં કમર્શિયલ ઍરલાઇન્સના અર્થશાસ્ત્રને સંપૂર્ણપણે બદલી નાખશે. આટલી મોટી ઉડાન માટે વીજળીનો ખર્ચ માત્ર ૫૦૦ રૂપિયા (પાંચ ડૉલર) જેટલો જ આવ્યો હતો. જોકે એમાં પાઇલટનો પગાર કે ઍરપૉર્ટ ફી જેવા અન્ય ખર્ચ અત્યારે સામેલ કરવામાં આવ્યા નથી. હાલમાં બૅટરીના વજનની મર્યાદાઓ છે છતાં વધતા જતા ઈંધણના ભાવ સામે આ ઍરક્રાફ્ટ અત્યંત મહત્ત્વનો વિકલ્પ બનશે.