૧૦૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી મા દુર્ગાની મૂર્તિ બની મૉરિશ્યસમાં

27 October, 2025 10:58 AM IST  |  mauritius | Gujarati Mid-day Correspondent

મા દુર્ગાના સૌથી વધુ ભક્તો ભારતમાં છે, પરંતુ દુર્ગા માતાની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ મૉરિશ્યસમાં છે.

દુર્ગા માતાની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ મૉરિશ્યસમાં છે

મા દુર્ગાના સૌથી વધુ ભક્તો ભારતમાં છે, પરંતુ દુર્ગા માતાની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ મૉરિશ્યસમાં છે. ગંગા તળાવ પાસે મૉરિશ્યસમાં ૧૦૮ ફુટ ઊંચી મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જે ભક્તિ, ગૌરવવંતી સંસ્કૃતિ અને આર્કિટેક્ચરલ પ્રાઇડનું પ્રતીક છે. આ મૂર્તિને વિશ્વની સૌથી ઊંચી મા દુર્ગાની મૂર્તિનો વિક્રમ ગણવામાં આવ્યો છે. 

મૉરિશ્યસમાં ગ્રૅન્ડ બેસિન તરીકે જાણીતા જળાશયને ગંગા તળાવ પણ કહેવામાં આવે છે, કેમ કે મૉરિશ્યસના હિન્દુઓ માટે આ જગ્યા ખૂબ પવિત્ર છે. અહીંની શાંત નદીનો કાંઠો ભારતની ગંગા નદીના ઘાટને મળતો આવે છે એને કારણે હિન્દુઓની અનેક ધાર્મિક અને યાત્રા પ્રવૃત્તિઓ આ જગ્યાએ થાય છે.  

મા દુર્ગાનું સ્ટૅચ્યુ બનાવવાનો વિચાર સ્ત્રીશક્તિને ઊજવવાનો છે. આ પ્રોજેક્ટને પૂરો થતાં છ વર્ષ લાગ્યાં હતાં અને આ મૂર્તિના નિર્માણનો ખર્ચ સંપૂર્ણપણે ભક્તો દ્વારા અપાયેલા દાનમાંથી જ કાઢવામાં આવ્યો હોવાથી આ મૂર્તિ મૉરિશિયન હિન્દુઓની એકતા અને સમર્પણનું પણ પ્રતીક છે. આ મૂર્તિમાં ૨૦૦૦ ક્યુબિક મીટર જેટલા કૉન્ક્રીટનો અને ૪૦૦ ટન લોખંડનો ઉપયોગ થયો છે. આ મૂર્તિ માત્ર ધાર્મિક અને આર્ટિસ્ટિક કલાકારીનું જ નહીં, એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ વન્ડર પણ છે.

international news world news mauritius hinduism culture news