World Soil Day 2022: આજે છે વિશ્વ માટી દિવસ, જાણો થીમ, ઇતિહાસ અને મહત્ત્વ

05 December, 2022 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વર્ષની વિશ્વ માટી દિવસની થીમ "સોઇલ્સઃ વ્હેર ફૂડ બિગીન્સ" છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

સોઇલ એટલે કે માટી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોને જમીનના મહત્ત્વ વિશે જણાવવા અને જમીનની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે 5મી ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ (World Soil Day)ની ઉજવણી કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે માટી બચાવવાની જરૂર કેમ છે? વાસ્તવમાં, પ્રદૂષણ અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે દર વર્ષે જમીનની ગુણવત્તા ઘટી રહી છે. આ એક ગંભીર સમસ્યા છે.

જમીનની ઘટતી ગુણવત્તાને કારણે જૈવિક પદાર્થોની ખોટ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં લોકોને આ અંગે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે વિશ્વ સોઇલ દિવસ એટલે કે વિશ્વ માટી દિવસ વિશે વિગતવાર જાણીએ.

વિશ્વ માટી દિવસ 2022ની થીમ

યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વર્ષની વિશ્વ માટી દિવસની થીમ "સોઇલ્સઃ વ્હેર ફૂડ બિગીન્સ" છે. તેનો ઉદ્દેશ ભૂમિ વ્યવસ્થાપનમાં વધતા જતા પડકારોનો ઉકેલ લાવવાનો, જમીન પ્રત્યે લોકોની જાગૃતિ વધારવાનો તેમ જ જમીનમાં યોગ્ય સુધારણા માટે સમાજને પ્રોત્સાહિત કરીને મનુષ્ય માટે સ્વસ્થ ઇકોસિસ્ટમ અને સ્વસ્થ પર્યાવરણ જાળવવાનો છે.

જાણો શું છે આ દિવસનો ઈતિહાસ?

વર્ષ 2002માં, ઇન્ટરનેશનલ યુનિયન ઑફ સોઇલ સાયન્સ (IUSS)એ દરખાસ્ત કરી કે 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે મનાવવામાં આવે, જેથી જમીનની બગડતી સ્થિતિ અંગે લોકોને જાગૃત કરી શકાય. આ પછી, જૂન 2013માં ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઈઝેશન (FAO) પરિષદે 68મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને વિશ્વ માટી દિવસની ઉજવણી કરવા વિનંતી કરી. એસેમ્બલીએ આખરે 5 ડિસેમ્બર 2014ના રોજ પ્રથમ સત્તાવાર વિશ્વ માટી દિવસ તરીકે જાહેરાત કરી, ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: આ છે અત્યાર સુધીનું સૌથી ઍડ્વાન્સ્ડ મિલિટરી ઍરક્રાફ્ટ

વિશ્વ માટી દિવસનો હેતુ

માટીની ખરાબ ગુણવત્તા એ આપણી ઇકોસિસ્ટમ માટે જોખમી છે અને તેને વૈશ્વિક સ્તરે એક મોટો ખતરો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, 5મી ડિસેમ્બરે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ માત્ર લોકોને માટી સંબંધિત સમસ્યાઓ, તેમાં આવી રહેલા પડકારો વગેરે વિશે જાગૃત કરવાનો છે.

international news united nations