06 November, 2025 10:44 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ન્યુ યૉર્કના મેયર તરીકે ગ્રૅન્ડ વિજય મેળવ્યા પછી પહેલી સ્પીચ આપતી વખતે ઝોહરાન મમદાની તેમનાં સિરિયન-અમેરિકન પત્ની રમા દુવાજી સાથે.
ઝોહરાન મમદાનીએ ન્યુ યૉર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનીને ઇતિહાસ રચ્યો: જીતના જશનમાં વગાડ્યું બૉલીવુડ-સૉન્ગ ધૂમ મચા લે...
ડેમોક્રૅટિક પાર્ટીના ઝોહરાન મમદાનીએ અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુ યૉર્ક સિટીના મેયરની ચૂંટણીમાં જંગી જીત મેળવીને ૬૭ વર્ષના ભૂતપૂર્વ ગવર્નર ઍન્ડ્રુ કુઓમોને હરાવ્યા હતા. આ ચૂંટણી ફક્ત ન્યુ યૉર્કના મેયરપદ માટે જ નહોતી, ડેમોક્રૅટિક પાર્ટીમાં વૈચારિક અને પેઢીગત સંઘર્ષની પણ મોટી કસોટી હતી. ઝોહરાન ભારતીય મૂળના યુગાન્ડાના વિદ્વાન મહમૂદ મમદાની અને ભારતીય ફિલ્મમેકર મીરા નાયરના પુત્ર છે. ઝોહરાન મમદાનીએ ન્યુ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનીને ઇતિહાસ રચ્યો છે.
કોને કેટલા મત મળ્યા?
મમદાનીએ ૯,૪૮,૨૦૨ મત (૫૦.૬ ટકા) મેળવીને મેયરની ચૂંટણી જીતી હતી, જે ૮૩ ટકા મતનું પ્રતિનિધિત્વ કરે છે. કુઓમો સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમને ટ્રમ્પનો ટેકો હતો. કુઓમોને ૭,૭૬,૫૪૭ (૪૧.૩ ટકા) મત મળ્યા હતા, જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની ઉમેદવાર કર્ટિસ સ્લિવાને ૧,૩૭,૦૩૦ મત મળ્યા હતા.
પહેલી વાર ૨૦ લાખ મત
૧૯૬૯ પછી પહેલી વાર મેયરપદની ચૂંટણીમાં ૨૦ લાખ મત પડ્યા હતા. એમાં મૅનહટનમાં ૪,૪૪,૪૩૯ મત પડ્યા હતા. ત્યાર બાદ બ્રૉન્ક્સ (૧,૮૭,૩૯૯), બ્રુકલિન (૫,૭૧,૮૫૭), ક્વીન્સ (૪,૨૧,૧૭૬) અને સ્ટેટન આઇલૅન્ડ (૧,૨૩,૮૨૭)નો સમાવેશ થાય છે.
ટ્રમ્પની અપીલ લોકોએ ઠુકરાવી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે લોકોને ઝોહરાન મમદાનીને મત ન આપવાની અપીલ કરી હતી, પણ લોકોએ તેમને ચૂંટી કાઢ્યા હતા અને ટ્રમ્પની અપીલ ઠુકરાવી દીધી હતી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો મમદાની મેયરની ચૂંટણી જીતશે તો હું ન્યુ યૉર્ક શહેર માટે ફેડરલ ભંડોળ મર્યાદિત કરીશ.
સ્ટેજ પર વાગ્યું ‘ધૂમ’નું ગીત
જીતની ઉજવણી કરવા માટે ન્યુ યૉર્કમાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જેની સામે હજારો લોકો ઊભા હતા. આ સ્ટેજ પર આવીને ઝોહરાન મમદાનીએ માઇક્રોફોન હાથમાં લીધું. તેમનો ચહેરો આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેમના ભાષણની સમાપ્તિ પછી સ્ટેજ પર હિન્દી ફિલ્મ ‘ધૂમ’નું ટાઇટલ-ટ્રૅક ગીત ‘ધૂમ મચા લે...’ વાગ્યું હતું અને એની ધૂન સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી.
જવાહરલાલ નેહરુને યાદ કર્યા
મેયરની ચૂંટણી જીત્યા બાદ મમદાનીએ જાહેર જનતાને સંબોધન કર્યું ત્યારે તેમણે ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને યાદ કર્યા હતા. મમદાનીએ કહ્યું હતું કે ‘મને જવાહરલાલ નેહરુના શબ્દો યાદ છે. ઇતિહાસમાં ભાગ્યે જ આવી ક્ષણ આવે છે જ્યારે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે અને રાષ્ટ્રનો આત્મા અભિવ્યક્તિ શોધે છે. આજે રાત્રે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરવા જઈ રહ્યા છીએ.’
આ વાતનો ઉલ્લેખ પંડિત નેહરુએ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારતની સ્વતંત્રતા પછી કર્યો હતો.
ટ્રમ્પ પર સીધો હુમલો
પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર સીધો હુમલો કરતાં મમદાનીએ કહ્યું હતું કે ‘હવે કોઈ આપણને લાઇવ જોઈ રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ, હું તમને કંઈક સીધું કહેવા માગું છું. હું ચાર શબ્દો કહેવા માગું છું. ટર્ન ધ વૉલ્યુમ અપ. ટ્રમ્પ, જો તમે અમારામાંથી કોઈ સુધી પહોંચવા માગતા હો તો તમારે પહેલાં અમારા બધામાંથી પસાર થવું પડશે. અમે ડરીશું નહીં, અમે પાછળ હટીશું નહીં. અમે ભ્રષ્ટાચારની સંસ્કૃતિનો અંત લાવીશું, જે ટ્રમ્પ જેવા અબજોપતિઓને કર-છૂટનો લાભ લેવાની મંજૂરી આપે છે. ન્યુ યૉર્ક ઇમિગ્રન્ટ્સનું શહેર છે. ઇમિગ્રન્ટ્સે આ શહેર બનાવ્યું, તેમણે એને ચલાવવા માટે મહેનત કરી અને આજથી આ શહેર ઇમિગ્રન્ટ્સ દ્વારા ચલાવવામાં આવશે. આ આપણી ઓળખ છે અને અમે એનું રક્ષણ કરીશું.’
બીજું શું કહ્યું?
મિત્રો, ન્યુ યૉર્કે ઇતિહાસ રચ્યો છે. આજે આ શહેરે બતાવ્યું છે કે જ્યારે સામાન્ય લોકો સાથે ઊભા રહે છે ત્યારે કોઈ શક્તિ, કોઈ ભય, કોઈ જૂઠ તેમને રોકી શકતું નથી. અમે એક રાજકીય રાજવંશને ઊથલાવી દીધો છે. હું ઍન્ડ્રુ કુઓમોને તેમના અંગત જીવનમાં શુભકામનાઓ પાઠવું છું, પરંતુ આજે તેમનો વારસો બંધ થઈ ગયો છે. જે રાજકારણ થોડા લોકો માટે હતું અને બાકીના ફક્ત જોતા હતા એ સમાપ્ત થઈ ગયું છે. હવે ન્યુ યૉર્કની દરેક વ્યક્તિ, દરેક અવાજ આ શહેરની તાકાત બનશે.
વર્જિનિયા અને ન્યુ જર્સીમાં પણ ડેમોક્રૅટ્સની જંગી જીત
વર્જિનિયામાં ડેમોક્રૅટ ઉમેદવાર એબીગેઇલ સ્પેનબર્ગર જીત્યાં હતાં અને તેઓ રાજ્યનાં પ્રથમ મહિલા ગવર્નર બનશે. ગઝાલા હાશ્મી લેફ્ટનન્ટ ગવર્નર બનશે. બીજી તરફ ન્યુ જર્સીમાં ડેમોક્રૅટ મિકી શેરિલે પણ ગવર્નરની ચૂંટણી જીતી લીધી હતી.
ઝોહરાન મમદાની ૧ જાન્યુઆરીએ ન્યુ યૉર્ક શહેરના મેયર તરીકે શપથ લેશે.