✕

કુર્લામાં લિફ્ટની ગંભીર બેદરકારીથી ૧૧ વર્ષના માસૂમ બાળકનું થયું મોત

01 November, 2026 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોસાયટીના હોદ્દેદારો સામે પોલીસ-ફરિયાદ નોંધાઈ, લટકી રહી છે ધરપકડની તલવાર.

ઝૈન તહસીલદાર

કુર્લા-ઈસ્ટમાં આવેલા શમીમ ટાવર (કુર્લા કદમ સોસાયટી)માં લિફ્ટની જાળવણીમાં કરવામાં આવેલી ઘોર બેદરકારીને કારણે ૧૧ વર્ષના ઝૈન તહસીલદારનું ૬ જુલાઈએ મૃત્યુ થયું હતું. આ મામલે શુક્રવારે નેહરુનગર પોલીસે મૃત્યુ પામેલા બાળકના પિતા જમીરની ફરિયાદના આધારે સોસાયટીના ચૅરમૅન, સેક્રેટરી અને ટ્રેઝરર સહિતના જવાબદાર કમિટી સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. આ દુર્ઘટનામાં લિફ્ટના દરવાજામાં થયેલી ખામીને લીધે દસમા માળેથી પડી જવાથી ઝૈનનું મૃત્યુ થયું હતું. આ મામલે સોસાયટીના હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેમની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

નેહરુનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬ જુલાઈએ રાત્રે સાડાનવ વાગ્યે ઝૈન સોસાયટીની B વિંગના દસમા માળના પૅસેજમાં મિત્રો સાથે રમી રહ્યો હતો. એ દરમ્યાન અચાનક લિફ્ટનો દરવાજા ખૂલી જતાં ઝૈન સીધો નીચે ત્રીજા માળે ફસાયેલી લિફ્ટની કૅબિન પર પટકાયો હતો. ગંભીર ઈજાઓને કારણે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ મામલે અમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો અહેવાલ મગાવ્યો હતો. એમાં ખુલાસો થયો હતો કે લિફ્ટની જાળવણી અને સમારકામ માટે કોઈ અધિકૃત લાઇસન્સ ધરાવતા કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવામાં આવી નહોતી અને ટેક્નિકલી લિફ્ટ ઉપયોગ માટે યોગ્ય ન હોવા છતાં બેદરકારી બતાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે સોસાયટીની આ લિફ્ટ લાંબા સમયથી દસમા માળે બંધ રહેતી હતી અને આ વિશે રહેવાસીઓએ અગાઉ અનેક વાર કમિટી સમક્ષ મૌખિક ફરિયાદો પણ કરી હતી. એમ છતાં ચૅરમૅન, સેક્રેટરી અને ટ્રેઝરર દ્વારા જાણી જોઈને યોગ્ય દેખભાળ કરવામાં આવી નહોતી કે રિપેરિંગ કરાવવામાં આવ્યું નહોતું. આ ગંભીર નિષ્કાળજી બદલ અમે તપાસ ચલાવી હતી. આ કેસમાં ટૂંક સમયમાં જ આરોપી કમિટી સભ્યોની ધરપકડ કરવામાં આવે એવી પ્રબળ સંભાવના છે.’

kurla mumbai police Crime News mumbai crime news accident mumbai news