રીડેવલપમેન્ટ વચ્ચે સંબંધોનું રીયુનિયન

08 July, 2026 07:29 AM IST  |  Mumbai | Varsha Chitaliya

કાલબાદેવીમાં આવેલી ૧૨૫ વર્ષ જૂની મોરારજી વેલજી વાડીના રહેવાસીઓ ધોધમાર વરસાદ વચ્ચે ભેગા થયા. જૂના પાડોશીઓએ વાડીમાં ઊજવાતા વિવિધ સાર્વજનિક ઉત્સવોને યાદ કરીને, એમની ઉજવણી કરીને દાંડિયારાસની રમઝટ બોલાવી

મુંબઈના કાલબાદેવી ખાતે કોલભાટ લેન પર આવેલી ૧૨૫ વર્ષ જૂની મોરારજી વેલજી વાડીના ભૂતપૂર્વ અને વર્તમાન રહેવાસીઓ

મુંબઈના કાલબાદેવી ખાતે કોલભાટ લેન પર આવેલી ૧૨૫ વર્ષ જૂની મોરારજી વેલજી વાડીના ભૂતપૂર્વ અને વર્તમાન રહેવાસીઓ માટે રવિવારનો દિવસ યાદગાર બની રહ્યો હતો.

રીડેવલપમેન્ટના યુગમાં પોતાની વાડી, જૂના પાડોશીઓ અને બાળપણની અમૂલ્ય યાદોને ફરી જીવંત કરવા માટે ૧૦૦ જેટલા રહેવાસીઓ મરીન ડ્રાઇવ પર આવેલા પી. જે. હિન્દુ જિમખાનામાં આયોજિત રીયુનિયનમાં એકઠા થયા હતા. ભારે વરસાદ અને હાઈ અલર્ટ છતાં મુંબઈ તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો હાજર રહ્યા હતા.

૮૫ વર્ષના હિંમતભાઈ ઢોલીના સથવારે ગરબાની રમઝટ.

રીયુનિયનમાં માતાજીની અને ગણપતિદાદાની છબિની સ્થાપના. માતાજીની છબિ ૭૦-૭૫ વર્ષ જૂની છે.

કાર્યક્રમની રૂપરેખા

હાલમાં સમસ્ત મુંબઈમાં રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. C વૉર્ડમાં આવેલાં જૂનાં મકાનો, માળાઓ, ચાલીઓ, ડેલાઓ, વાડીઓનું પણ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એવામાં કાલબાદેવી ખાતે કોલભાટ લેન પર આવેલી ૧૨૫ વર્ષ જૂની મોરારજી વેલજી વાડી (પાંચ ઇમારતો)ના વર્તમાન તથા ભૂતપૂર્વ રહેવાસીઓએ જૂનાં સંસ્મરણોને તાજાં કરવા પાંચમી જૂને મરીન ડ્રાઇવ પર આવેલા હિન્દુ જિમખાનામાં રીયુનિયનનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપતાં કાંદિવલીના મિતેશ મોદીએ જણાવ્યું હતું કે ‘કાર્યક્રમની શરૂઆત વાડીમાં વર્ષોથી ઊજવાતા સાર્વજનિક ગણપતિ મહોત્સવની પરંપરા મુજબ ગણેશ-સ્થાપના અને આરતીથી થઈ હતી. ત્યાર બાદ માતાજીની છબિની સ્થાપના કરીને સ્તુતિ કરવામાં આ‍વી હતી. સ્વર્ગસ્થ રહેવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ ઉજવણીની શરૂઆત થઈ હતી. રવિવારે મુંબઈમાં ખૂબ વરસાદ હતો. બૅન્ક્વેટ હૉલના પ્રવેશદ્વાર પાસે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયાં હતાં છતાં ૧૦૦ જેટલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્કર્સ માટેનાં સર્વિસ-પગથિયાં ચડીને અને પછી ઊતરીને હૉલમાં પહોંચ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૮૫ વર્ષના હિંમતભાઈ ઢોલી રહ્યા હતા, જેમણે પોતાના પુત્ર ધર્મેન્દ્રભાઈ સાથે ઢોલના તાલે જૂના સમયના ગરબા અને દાંડિયારાસની રમઝટ ફરી જીવંત બનાવી હતી.’

જૂનાં સંસ્મરણો, નવી યાદો

એક સમયે મોરારજી વેલજીના ડેલામાં ૨૦૦ જેટલા પરિવારો રહેતા હતા. સમયની સાથે ઘણા પરિવારો અન્યત્ર રહેવા ચાલ્યા ગયા. જોકે આજે પણ ઘણા રહેવાસીઓની ત્રીજી પેઢી ત્યાં જ રહે છે. વર્તમાન રહેવાસીઓ તેમ જ હવે બીજે શિફ્ટ થયેલા જૂના પાડોશીઓ અને મિત્રો સાથે માણેલું બાળપણ ફરી જીવવા રીયુનિયનનો કાર્યક્રમ યોજવાનો વિચાર ભદ્રેશ કાપડિયા, કેતન પંડ્યા, નીલેશ તન્ના અને મિતેશ મોદીને આવ્યો હતો. જૂનાં સંસ્મરણોને તાજાં કરવાની સાથે નવી યાદો બનાવવાની ઇચ્છાથી તેમણે સૌને ભેગા કર્યા.

મિતેશભાઈએ કહ્યું હતું કે ‘મારા દાદા અને ત્યાર બાદ પપ્પા ત્યાં રહેતા. મારું બાળપણ પણ ત્યાં જ વીત્યું છે. વાડી છૂટી ગઈ પણ સંબંધો અને સંપર્કો અકબંધ હતા. ૨૦૦૮માં કેટલાક મિત્રોએ રીયુનિયનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ વખતે સપરિવાર ભેગા થવાનું નક્કી કર્યું. પરણીને સાસરે ચાલી ગયેલી બહેનો-દીકરીઓને આમંત્રિત કરવાની હતી, કારણ કે તેમની પણ બાળપણની યાદો છે. બધાને ભેગા કરવામાં સમય લાગ્યો. ૯૦ વર્ષના વડીલથી લઈને ત્રીજી પેઢીનાં ટીનેજ સંતાનોએ હાજર રહીને રંગ રાખ્યો હતો. ૧૯૬૫થી ૧૯૯૦ દરમ્યાન માઇક અને સ્પીકર વગર હિંમતભાઈ ઢોલીના ઢોલના ધબકારે રહેવાસીઓ રાતભર દાંડિયાની રમઝટ બોલાવતા. આ સંસ્મરણો સાથે નવી યાદો ઉમેરવા ઢોલના તાલે હિલોળા લીધા. અમારે બધા તહેવારો એકસાથે ઊજવવા હતા. રાસગરબા ઉપરાંત મટકી ફોડીને જન્માષ્ટમી ઊજવી અને ગણેશોત્સવ મનાવ્યો. ઉજવણીનો માહોલ જોઈને કેટલાક સભ્યોની આંખો ભીંજાઈ ગઈ. મજાની વાત એ કે આજે પણ અમે એકબીજાને બાળપણના નામે બોલાવીએ છીએ. એ વખતે પપ્પાના કામકાજ પરથી ઘણાનાં ઉપનામ રાખ્યાં હતાં. કાર્યક્રમમાં વર્તમાન રહેવાસીઓ ઉપરાંત જૂના રહેવાસીઓમાં નીલેશ મહેતા (ઝંડુ) સુરતથી, સોનલ ચોકસી (ટીનુ) અમદાવાદથી, નીલેશ મોદી (કૅશિયર) નવી મુંબઈથી, કીર્તિ જોશી (મહારાજ) નાલાસોપારાથી અને હિતેશ દોશી (હિતિયો) ઘાટકોપરથી આવ્યાં હતાં. બાકીના પરિવારો કાંદિવલી, બોરીવલી, વિલે પાર્લે, વરલીથી આવ્યા હતા. ઘણા મેમ્બરોએ રીયુનિયનમાં જોડાવા વિદેશનું વેકેશન પોસ્ટપોન કર્યું હતું. બપોરના ભોજન પછી પણ છૂટા પડવાનું મન નહોતું થતું. જૂની યાદો વાગોળીને અને નવી યાદોનું ભાથું બાંધીને સૌ ફરી પાછા મળવાના વચન સાથે છૂટા પડ્યા હતા.’

mumbai news kalbadevi gujarati community news gujaratis of mumbai south mumbai