13 March, 2025 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગરીબ અને લાચાર યુવતીઓને પૈસાની લાલચ આપીને તેમની પાસે દેહવ્યવસાય કરાવતી ૩૫ વર્ષની એક મહિલાની થાણે ઍન્ટિ-વુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ મંગળવારે સાંજે ઘોડબંદર રોડ પર આવેલા આર-મૉલમાંથી ધરપકડ કરી હતી. ચેમ્બુરમાં રહેતી આરોપી મહિલા મુંબઈની એક સ્કૂલમાં ટીચર છે. તે ગરીબ યુવતીઓ પાસે દેહવ્યવસાય કરાવતી હોવાની બાતમીના આધારે છટકું ગોઠવીને પોલીસે ઘાટકોપરમાં અને ચેમ્બુરમાં રહેતી બે યુવતીઓને બચાવી લીધી હતી. થાણે ઍન્ટિ-વુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ આ કેસની આગળની તપાસ થાણેના ચિતલસર પોલીસ-સ્ટેશનને સોંપી દીધી છે.
આ મહિલા ઘાટકોપર અને ચેમ્બુર સહિતના આસપાસના વિસ્તારોમાં રહેતી ગરીબ યુવતીઓને ટાર્ગેટ કરી તેમને ઓછા સમયમાં વધારે પૈસા કમાવી આપવાનું કહીને દેહવ્યવસાય કરાવતી હતી એમ જણાવતાં થાણે ઍન્ટિ-વુમન ટ્રાફિકિંગ સેલનાં સિનિયર ઇન્સ્પેક્ટર ચેતના ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા વૉટ્સઍપ પર યુવતીઓનો ફોટો ગ્રાહકોને મોકલીને દેહવ્યવસાય કરાવતી હોવાની ગુપ્ત બાતમી અમને મળી હતી. તેના પર સતત નજર રાખ્યા બાદ અમે બોગસ ગ્રાહક દ્વારા આરોપી મહિલાનો સંપર્ક કર્યો હતો. એ સમયે આરોપી મહિલાએ બે યુવતીઓ માટે ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એમાંથી અમુક પૈસા તેને ઍડ્વાન્સ આપવામાં આવતાં આરોપી મહિલા મંગળવારે થાણે-ઘોડબંદર રોડ પર આવેલા આર-મૉલમાં બે યુવતીઓ સાથે આવી હતી. ત્યાર બાદ અમે તેની ધરપકડ કરી હતી. આરોપી મહિલાની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લાં ૧૫ વર્ષથી મુંબઈની એક સ્કૂલમાં ટીચર છે અને છેલ્લાં ત્રણ વર્ષથી તે દેહવ્યવસાય કરતી હોવાની કબૂલાત કરી હતી. હાલમાં પીડિત મહિલાને સુધારગૃહમાં મોકલી આપી છે. આ મામલે આગળની તપાસ ચિતલસર પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવી છે.’