નૅશનલ હાઇવે પર સમૂહશ્રાદ્વ

26 September, 2022 01:54 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ સ્થળે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે થયું શ્રાદ્વનું આયોજન : હાઇવે ઑથોરિટી અને કૉન્ટ્રૅક્ટર કંપનીને પણ પ્રતીકાત્મક શ્રાદ્ધ અર્પણ કરવામાં આવ્યું

મુંબઈ-અમદાવાદ હાઇવે પર થતા અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો માટે સમૂહશ્રાદ્વ કરવામાં આવ્યું હતું.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ લોકોનું એના પર ધ્યાન ગયું છે. હાઇવે પર અનેક કારણોસર રોડ-અકસ્માતમાં લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ થવાના તો ઘણા લોકોને ગંભીર ઈજાઓ થતાં જીવનભર દિવ્યાંગ બન્યા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે હાઇવે અકસ્માતમાં અણધાર્યા મોતને ગળે લગાવનારા લોકોના આત્માને શાંતિ મળે એટલા માટે ગઈ કાલે સમૂહશ્રાદ્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વપિતૃ અમાવસ્યામાં આ અનોખા શ્રાદ્વ વિશે માહિતી આપતાં ઑલ ઇન્ડિયા વાહન ચાલક-માલક મહાસંઘ અને એનએચ-૪૮ વૉટ્સઍપ ગ્રુપના સભ્ય હરબન સિંહ નન્નાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સર્વપિતૃ અમાવસ્યામાં સૌકોઈ પોતાના પરિવારના પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્વ કરતા હોય છે. અમારું હાઇવે ગ્રુપ અને સ્થાનિક લોકો હાઇવે પર ખામીયુક્ત સિસ્ટમ અને અયોગ્ય આયોજનને કારણે અવારનવાર થતા અકસ્માતો વખતે કોઈને મદદની જરૂર હોય તો પહેલાં પહોંચે છે. ઘણી વખત અમે ઍમ્બ્યુલન્સ પણ લઈ જતા હોઈએ છીએ. લોકોની મૃત્યુ બાદની હાલત અમે જોતા હોઈએ છીએ. અમુક લોકોનાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ મૃત્યુ થતાં પણ જોયાં છે. આવા કમોત બાદ તેમના આત્માને શાંતિ મળે એટલા માટે શિવમંદિર ખાતે શ્રાદ્ધ કરી, પ્રાર્થના કરીને તમામ લોકોને ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હાઇવે ઑથોરિટી અને કૉન્ટ્રૅક્ટર કંપની અમારું સાંભળતી જ ન હોવાથી અમારા માટે તેઓ પણ મૃત્યુ પામ્યા બરાબર છે એટલે તેમને પણ પ્રતીકાત્મક શ્રાદ્ધ અર્પણ કરવામાં આવ્યું હતું.’

mumbai news national highway preeti khuman-thakur