12 January, 2026 01:19 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ફરી એક વાર મોટા પાયે ઍરસ્ટ્રાઇક કરી છે. આ કાર્યવાહી ગયા મહિને પલમાયરામાં થયેલા હુમલાનો વળતો જવાબ છે. એમાં બે અમેરિકન સૈનિકો અને એક નાગરિક દુભાષિયો માર્યા ગયા હતા. અમેરિકાએ આ કાર્યવાહી સિરિયાનાં અનેક સ્થળો પર એકસાથે કરી હતી. શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે સાડાબાર વાગ્યે એકસાથે ઍરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. ટ્રમ્પે આ વળતા હુમલાને ઑપરેશન હૉકઆઇ સ્ટ્રાઇક નામ આપ્યું છે.
ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ૧૩ ડિસેમ્બરે સિરિયાના પલમાયરામાં આવેલા અમેરિકાની સેનાના સ્થળ પર હુમલો કર્યો હતો. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘અમારો સંદેશો સાફ છે. જો કોઈ અમારા સૈનિકોને નુકસાન પહોંચાડશે તો અમે તમને દુનિયામાં કોઈ પણ સ્થળેથી શોધીને મારી નાખીશું, તમે ન્યાય થવાથી ભાગવાની ગમે એટલી કોશિશ કરો.’