પાકિસ્તાન ઝિંદાબાદ બાબતે ઉદ્ધવ ઠાકરે કેમ છે મૌન?

26 September, 2022 02:02 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પોતાને હિન્દુત્વના રક્ષક ગણતા શિવસેના-પ્રમુખે આ વિશે કંઈ ન કહ્યું હોવા સામે બીજેપીએ કર્યો સવાલ

ઉદ્ધવ ઠાકરે

દેશભરમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) સામે કાર્યવાહી કરવાના વિરોધમાં શનિવારે પુણેમાં કલેક્ટરની ઑફિસની બહાર કેટલાક લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદનો સૂત્રોચ્ચાર કર્યો હતો. રાજ્ય સરકારે આવા દેશદ્રોહીઓ સામે આકરાં પગલાં લેવાની વાત કરી છે ત્યારે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ સંબંધે મૌન સેવ્યું છે. એના પર મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે સવાલ કર્યો છે.

ઍડ. આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં ગઈ કાલે સવાલ કર્યો હતો કે ‘પીએફઆઇના દેશવિરોધી સૂત્રોચ્ચારની ગંભીર ઘટના પુણેમાં બની હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ હજી સુધી કંઈ કહ્યું નથી. આ સિવાય શિવસેના-પ્રમુખ પુણે પોલીસે સૂત્રોચ્ચાર કરનારાઓની ધરપકડ કરી હતી એ વિશે કે એના વિરોધમાં કેમ કંઈ બોલતા નથી? કોથળા કાઢવાની ભાષા બોલનારા હવે ક્યાં છુપાઈ ગયા છે?’

મુંબઈના પાલકપ્રધાનો જાહેર

૩૦ જૂને એકનાથ શિંદે સરકારની સ્થાપના થયા બાદ બે વખત પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જોકે અત્યાર સુધી રાજ્યના જિલ્લાઓના પાલકપ્રધાનોની જાહેરાત નહોતી કરવામાં આવી. સરકારે શનિવારે ૩૬ જિલ્લા માટે ૧૯ પાલકપ્રધાનની નિયુક્તિ કરી હતી. તળ મુંબઈમાં દીપક કેસરકર અને સબર્બનમાં મંગલ પ્રભાત લોઢાને જવાબદારી સોંપવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને છ જિલ્લાની જવાબદારી અપાઈ છે તો મુંબઈ નજીકનો થાણે જિલ્લો શંભુરાજ દેસાઈને, પાલઘર જિલ્લો રવીન્દ્ર ચવાણને અને રાયગડ જિલ્લો ઉદય સામંતને ફાળવવામાં આવ્યો છે.

મુકેશ અંબાણી એકનાથ શિંદેને મળ્યા

ગયા બુધવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની માતોશ્રીમાં મુલાકાત કર્યા બાદ શનિવારે રાતે બીજા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મલબાર હિલ ખાતેના વર્ષા બંગલામાં મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયે અનંત અંબાણી પણ સાથે હતા. એકાદ કલાક મુખ્ય પ્રધાન સાથે વાતચીત કર્યા બાદ પિતા-પુત્ર રાતે ૧૨.૧૫ વાગ્યે વર્ષા બંગલામાંથી બહાર નીકળ્યા હતા. મુકેશ અંબાણી એકનાથ શિંદેને મળે એ સ્વાભાવિક છે, પરંતુ ગૌતમ અદાણી વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરેને શા માટે મળ્યા હતા એના પર જાત-જાતના સવાલ કરાઈ રહ્યા છે.

બીજેપીનું ‘મરાઠી દાંડિયા કાર્ડ’

મુંબઈ બીએમસીની ચૂંટણીમાં આ વખતે કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે બીજેપી દ્વારા તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. દહીહંડી અને ગણેશોત્સવમાં મુંબઈગરાઓનો સીધો સંપર્ક કરવાનાં આયોજનો બીજેપીએ કર્યાં હતાં. આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે હિન્દુઓના આ મોટા તહેવારનો ફાયદો લેવા માટે બીજેપીએ ‘મરાઠી દાંડિયા કાર્ડ’ ફેંક્યું છે. પરેલ વિસ્તારમાં આવેલા અભ્યુદયનગરમાં મોટા પાયે નવરાત્રિનું આયોજન બીજેપીએ કર્યું છે. અહીં રહેતા મરાઠીઓને આકર્ષિત કરવા માટેનું આ પગલું હોવાનું કહેવાય છે. બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચા અને સિંગર અવધૂત ગુપ્તેએ આ આયોજન વિશે કહ્યું હતું કે ‘નવરાત્રિ માટે જંબોરી મેદાન, રેસકોર્સ અને અભ્યુદયનગર આ ત્રણ જગ્યા વિચારવામાં આવી હતી. જંબોરી મેદાનમાં માતાની સ્થાપના થાય છે એટલે શક્ય નહોતું અને રેસકોર્સમાં કીચડ છે એટલે અભ્યુદયનગરની પસંદગી કરવામાં આવી છે. આ મરાઠી દાંડિયામાં દરરોજ ૧૫ હજાર લોકો આવવાની શક્યતા છે.’

mumbai news uddhav thackeray bharatiya janata party eknath shinde mukesh ambani pune news