મંદિર હમ ખુલવાએંગે, ધર્મ કો ન્યાય દિલાએંગે

29 August, 2021 12:36 PM IST  |  Mumbai | Dharmendra Jore

દહીહંડી અને ધર્મસ્થળો બંધ રાખવાના મુદ્દે બીજેપી અને મહાવિકાસ આઘાડી સરકાર આમનેસામને : મંદિરોની બહાર એકઠા થઈને દેખાવો કરવામાં આવશે

ફાઈલ તસવીર

કોરોના રોગચાળાને કારણે બંધ રાખવામાં આવેલાં ધર્મસ્થળો ફરી ખોલવા અને દહીહંડીનો લોકપ્રિય ઉત્સવ યોજવાની છૂટ આપવાના મુદ્દે આવતી કાલથી બીજેપી અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીધા સંઘર્ષનાં મંડાણની શક્યતા છે. બીજેપીના ધાર્મિક વિષયો માટેના સંગઠન આધ્યાત્મિક સમન્વય આઘાડીના કાર્યકરોનાં વિવિધ મંદિરોની બહાર એકઠા થઈને દેખાવો કરવાનાં આયોજનોને પક્ષના રાજ્ય એકમ તરફથી પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.

બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે ‘રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારે પહેલા લૉકડાઉન પછી પાંચ મહિના વિવિધ ધર્મોનાં પૂજા-પ્રાર્થનાનાં સ્થળો બંધ રાખ્યાં હતાં. હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે. વિવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓ ખૂલી રહી છે. ફક્ત મંદિરો તથા અન્ય ધર્મોનાં પૂજા-પ્રાર્થનાનાં સ્થળો બંધ છે. એમાં એ ધાર્મિક સ્થળોની સક્રિયતા પર જે લોકોની આજીવિકા આધાર રાખે છે તેમનો વિચાર કરવો જરૂરી છે. રોજગારી અને આવક માટે ધાર્મિક પ્રવૃત્તિઓ પર આધાર રાખતા લોકો વિશે ઠાકરે સરકારે કોઈ વિચાર કર્યો નથી. લૉકડાઉનના દિવસોમાં તકલીફ સહન કરનારા એ લોકોને સહાય પણ કરી નથી. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા વગેરે ધર્મસ્થળો ખૂલી ગયાં છે. ફક્ત મહારાષ્ટ્રમાં નિયંત્રણો રખાયાં છે. સરકારના આ વલણ સામે ભગવાન કૃષ્ણના જન્મદિને વિરોધ-પ્રદર્શન યોજવામાં આવ્યું છે. પક્ષના નેતાઓ, લોકપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને કાર્યકરો ‘મંદિર હમ ખુલવાએંગે, ધર્મ કો ન્યાય દિલાએંગે’ સૂત્રોચ્ચાર કરશે.’

દહીહંડીનાં આયોજનો કરતા બીજેપીના નેતાઓએ પ્રતિબંધનો ભંગ કરવાની ધમકીઓ આપી છે, પરંતુ પક્ષે સત્તાવાર રીતે કાર્યકરોને ગોવિંદા ભેગા કરીને મટકી ફોડવાની સૂચના આપી નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ દહીહંડી યોજવાની જાહેરાત કરી હતી. જોકે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના, કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાઓએ દહીહંડીના મોટા કાર્યક્રમો રદ કર્યા છે.

કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કેન્દ્ર સરકાર અને નીતિ આયોગે કોરોના રોગચાળાની થર્ડ વેવ સામે સાવધ રહેવાની સૂચનાઓ આપી હોવા છતાં આ પ્રકારનું વલણ અખત્યાર કરવા બદલ બીજેપીની ટીકા કરી હતી. સચિન સાવંતે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં કોરોનાના ઇન્ફેક્શનના ૬૦ લાખ કેસ નોંધાયા છે. એ સંજોગોમાં ધર્મના નામે કે ઉત્સવોના નામે સામૂહિક આયોજનો કરનારાઓ સામે પોલીસે કડક પગલાં લેવાં જોઈએ. બીજેપીના સત્તાભૂખ્યા રાજકારણીઓ મંદિરોનું રાજકારણ ખેલે છે. પ્રધાનોની યાત્રાઓ દરમ્યાન રોગચાળા સંબંધી નિયંત્રણોનો ભંગ કરવા બાબતે બીજેપીના કેટલાક નેતાઓ વિરુદ્ધ પોલીસ-કેસ નોંધાઈ ચૂક્યા છે. એમ છતાં બીજેપીવાળા પાઠ ભણતા નથી. હવે તે લોકો મંદિરો ખોલીને અને દહીહંડીનાં આયોજનો કરીને નિર્દોષ જનતાના જીવન જોડે રમત રમવા ઇચ્છે છે.’  

mumbai news temple dharmendra jore