16 September, 2025 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેઇન હોલની પાસે BMCનો કર્મચારી છત્રી ખોલી બેસી રહ્યો
મુંબઈમાં છેલ્લા ૩ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે એ પાણી દરિયામાં વ્યવિસ્થત રીતે વહી જાય એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. એમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે અને પાણીનો પણ નિકાલ થાય એ માટે દાદરની હિન્દુ કૉલોની પાસે મેઇન હોલ ખોલી નાખવામાં આવ્યા બાદ BMCનો કર્મચારી મેઇન હોલ પાસે જ વરસતા વરસાદમાં છત્રી ખોલીને બેસી રહ્યો હોવાનો વિડિયો બહુ જ વાઇરલ થયો હતો અને લોકો તેની એ ફરજપરસ્તીને બિરદાવી રહ્યા હતા.
રવિવારે રાતે અને ગઈ કાલે સવારે ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. એમાં પણ કિંગ્સ સર્કલ, હિન્દમાતા, માટુંગા ફાઇવ ગાર્ડન અને હિન્દુ કૉલોનીમાં પાણીનો નિકાલ ઝડપથી ન થતાં પાણી ભરાઈ ગયાં હતાં. એથી BMCના કર્મચારીએ વહેલી તકે પાણીનો નિકાલ કરવા મેઇન હોલ ખોલી નાખ્યું હતું. એ પછી એ હોલમાં કોઈ પડી ન જાય એ માટે કર્મચારી વરસતા વરસાદમાં મેઇન હોલની બાજુમાં જ બેસી રહ્યો હતો. વરસાદ સખત હતો એમ છતાં વરસાદથી બચવા છત્રી ખોલીને પણ તે ત્યાં જ બેસી રહ્યો હતો અને લોકોની સુરક્ષાને મહત્ત્વ આપ્યું હતું. કોઈ રાહદારીએ તેની એ ફરજપરસ્તીને ધ્યાનમાં રાખીને તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેતાં લોકોએ તેના એ ઍટિટ્યુડને બિરદાવ્યો હતો.