નવી મુંબઈમાં બસ સળગી, બાવીસ પૅસેન્જરોનો આબાદ બચાવ

10 January, 2025 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દુર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીઓએ ત્યાર બાદ તેમનો બાકીનો પ્રવાસ રિક્ષામાં અને પ્રાઇવેટ વાહનોમાં કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની બસ ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે કલ્યાણ-શિળફાટા પાસે આવેલા માનપાડામાં રુણવાલ ચોક પાસે હતી ત્યારે એમાં આગ લાગી હતી. જોકે આ બાબતે ડ્રાઇવરને જાણ થતાં તેણે તરત જ બસને રોકી દીધી હતી અને બસમાં સવાર બાવીસ પૅસેન્જરોને નીચે ઉતારી દીધા હતા. પૅસેન્જરો ઊતરી ગયા બાદ તેણે પણ બસમાંથી બહાર કૂદકો મારી દીધો હતો.

આ સંદર્ભે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) પંકજ શિરસાટે કહ્યું હતું કે ‘ટ્રાફિક-પોલીસે તરત જ ઍક્શન લઈને કોઈ દુર્ઘટના ન થાય એ માટે બન્ને તરફનો ટ્રાફિક રોકી દીધો હતો. ત્યાર બાદ ફાયર-બ્રિગેડ દ્વારા વૉટર-ટૅન્કરની મદદથી આગ ઠારવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. એ પછી ક્રેન બોલાવીને બળી ગયેલી બસને ત્યાંથી હટાવવામાં આવી હતી. આ દુર્ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક-જૅમ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. જોકે બસ હટાવી લેવાયા બાદ ધીમે-ધીમે વાહનોની અવરજવર રાબેતા મુજબ કરવામાં આવી હતી.’

આ દુર્ઘટનામાં બચી ગયેલા પ્રવાસીઓએ ત્યાર બાદ તેમનો બાકીનો પ્રવાસ રિક્ષામાં અને પ્રાઇવેટ વાહનોમાં કર્યો હતો.

navi mumbai Crime News mumbai crime news fire incident mumbai traffic