19 March, 2025 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશ પાટીલ સેલ્ફી લેતો હતો ત્યારે આરોપી કેસરી કપડું ઓઢીને જઈ રહ્યો હતો.
ડોમ્બિવલી-ઈસ્ટમાં સોમવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સ્ટેજ પર મળવા જવાના બહાને ચેઇન ચોરવાનો પ્રયાસ કરનાર ૨૩ વર્ષના સુનીલ મ્હસ્કેની માનપાડા પોલીસે ધરપકડ કરી હતી. અહમદનગરમાં રહેતો સુનીલ ચેઇન તફડાવવા માટે માથે કેસરી કપડું બાંધીને સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો એ વખતે ગણેશ પાટીલ નામનો યુવક સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે સુનીલ આગળના એક યુવકની ચેઇન ખેંચતો જોવા મળ્યો હતો. જોકે એ સમયે ત્યાં હાજર નાયબ મુખ્ય પ્રધાનના પોલીસ-સ્ટાફે તેને પકડીને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો.
આરોપી ચોરીના ઇરાદાથી અહમદનગરથી ડોમ્બિવલી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે એમ જણાવતાં માનપાડાના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજની એક પ્રતિમાના અનાવરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્ય પ્રધાન સહિત રાજ્યના નેતાઓએ હાજરી આપી હતી એ દરમ્યાન સોશ્યલ મીડિયા પર આ કાર્યક્રમની જાહેરાત જોઈને આરોપી ચોરીના ઇરાદાથી અહીં આવ્યો હતો. એ વખતે રાતે ૯ વાગ્યે નાયબ મુખ્ય પ્રધાન સ્ટેજ પર બધા સાથે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના માથે કેસરી કપડું ઓઢીને પોતાની આગળના એક યુવાનની ચેઇન ખેંચવાની કોશિશ કરી હતી, પણ એ સમયે પાછળ એક યુવક સેલ્ફી લઈ રહ્યો હતો જેમાં તેણે આરોપીને ચેઇન કાઢતો જોયો એટલે તેણે તાત્કાલિક પોલીસ-સ્ટાફને જાણ કરી હતી. આરોપીની સંડોવણી અન્ય કેસોમાં પણ હોઈ શકે એવી શક્યતા છે.’