ઇઝરાયેલના 78મા સ્વતંત્રતા દિવસે મુંબઈમાં જાહેરાતઃ ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થપાશે

22 June, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં ઇઝરાયેલના કોન્સલ જનરલે ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી. ભારત-ઇઝરાયેલ સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું.

 કોન્સલ જનરલે તાજેતરના વર્ષોના પડકારો છતાં ઇઝરાયેલની મજબૂત અર્થવ્યવસ્થા અને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વધી રહેલા સહયોગ પર પણ ભાર મૂક્યો હતો.

 ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ગાઢ મિત્રતાને વધુ મજબૂત કરતા એક ઐતિહાસિક પગલામાં, મુંબઈ સ્થિત ઇઝરાયેલના કોન્સલ જનરલ યાનિવ રેવાચે ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારના નિકટના સહયોગથી આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. કોન્સલ જનરલે આ ઐતિહાસિક પહેલને સાકાર કરવા માટે ઉત્સાહભેર સમર્થન આપવા બદલ માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જે ભારત અને ઇઝરાયેલના લોકો વચ્ચેના પરસ્પર આદરને દર્શાવે છે. આ જાહેરાત ‘ધ સેન્ટ રેજીસ મુંબઈ’ ખાતે આયોજિત ઇઝરાયેલના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના માનનીય મંત્રી આશિષ શેલાર મુખ્ય અતિથિ (ગેસ્ટ ઓફ ઓનર) તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વરિષ્ઠ સરકારી અધિકારીઓ, રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ, મીડિયા પ્રતિનિધિઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ જોડાઈ હતી. ગેલિટ હોફમેનના નેતૃત્વમાં મુંબઈ સ્થિત ઇઝરાયેલ પ્રવાસન મંત્રાલયની ટીમે પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

ભોજન, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સમન્વય

આ વર્ષની ઉજવણીમાં ભોજન, સંગીત અને સહિયારી સર્જનાત્મકતાના અનોખા સંગમ દ્વારા બંને દેશો વચ્ચેની વધતી જતી મિત્રતાને પ્રદર્શિત કરવામાં આવી હતી:  ખાસ ક્યુલિનરી ફ્યુઝન: પ્રખ્યાત ઇઝરાયેલી શેફ એવી રેઝોને `ધ સેન્ટ રેજીસ મુંબઈ`ની ક્યુલિનરી ટીમ સાથે મળીને એક વિશેષ મેનૂ તૈયાર કર્યું હતું, જેમાં ભારતીય સામગ્રીઓ સાથે ઇઝરાયેલી સ્વાદનું ફ્યુઝન પીરસવામાં આવ્યું હતું. જામન (JAMAN) બેન્ડનું પર્ફોર્મન્સ: ઇઝરાયેલી મ્યુઝિકલ ગ્રુપ `JAMAN` દ્વારા સંગીત, લય અને પ્રકાશના સમન્વય સાથે અદભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેમાનોને ખાસ ડિઝાઇન કરેલી ડ્રમસ્ટિક્સ આપવામાં આવી હતી, અને મહેમાનો પણ આ પર્ફોર્મન્સનો હિસ્સો બન્યા હતા.


યાનિવ રેવાચ, કોન્સલ જનરલે કહ્યું કે, "આપણે જ્યારે ઇઝરાયેલનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની મજબૂત મિત્રતાની પણ આ ઉજવણી છે. ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપવાની પહેલ ભારતના ભવ્ય વારસા પ્રત્યેના અમારા ઊંડા આદરને દર્શાવે છે."  કોન્સલ જનરલે તાજેતરના વર્ષોના પડકારો છતાં ઇઝરાયેલની મજબૂત અર્થવ્યવસ્થા અને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વધી રહેલા સહયોગ પર પણ ભાર મૂક્યો હતો.  આશિષ શેલાર, કલ્ચરલ અફેર્સ મિનિસ્ટર, મહારાષ્ટ્રએ કહ્યું કે, "ભારત અને ઇઝરાયલ વચ્ચે વિશ્વાસ, ઇનોવેશન અને પરસ્પર આદર પર આધારિત મજબૂત ભાગીદારી છે. મહારાષ્ટ્રને `બેને ઇઝરાયેલ` સમુદાય સાથેના તેના ઐતિહાસિક સંબંધો પર વિશેષ ગર્વ છે, જે આપણી ઊંડી સાંસ્કૃતિક કડીનું પ્રતીક છે."

લાંબા સમય સુધી ભારત અને ઇઝરાયેલે પોતાના ગાઢ સંરક્ષણ અને ગુપ્તચર સંબંધોને રાજદ્વારી પડદા પાછળ રાખ્યા હતા. આરબ દેશો સાથેના હિતો અને આંતરિક રાજકારણને કારણે નવી દિલ્હી ઇઝરાયેલ સાથે ખુલ્લેઆમ જોડાવાનું ટાળતું હતું. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ નીતિ બદલાઈ છે. વર્ષ ૨૦૧૭માં તેમની ઐતિહાસિક ઇઝરાયેલ મુલાકાત દ્વારા ભારતે પેલેસ્ટાઇન કે આરબ દેશોના સંબંધોથી મુક્ત થઈને ઇઝરાયેલ સાથે સ્વતંત્ર રીતે (Dehyphenation) આગળ વધવાનો મોટો વ્યૂહાત્મક સંકેત આપ્યો.

mumbai news israel political news ashish shelar