બાઇકચોરીનો એક કેસ સૉલ્વ કરવામાં બીજા ચાર કેસ પણ ઉકેલાઈ ગયા

24 April, 2024 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈના માણિકપુર ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ પાંચથી સાત કિલોમીટર વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આખરે બાઇકચોરને પકડ્યો

માણિકપુર પોલીસ-સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ

નાયગાંવમાં રહેતા ૪૩ વર્ષના દિલીપ મકવાણાએ તેમની હીરો હૉન્ડા બાઇકની ચોરીની ફરિયાદ પોલીસમાં કરતાં પોલીસે તપાસ કરીને બાઇક ચોરનારને પકડ્યો હતો અને બાઇક પાછી મેળવી આપી હતી એટલું જ નહીં, એની સાથે ચોરીના અન્ય ચાર કેસ પણ સૉલ્વ થઈ ગયા હતા. આ માટે પોલીસે પાંચથી સાત કિલોમીટરના એરિયામાં તપાસ કરી અનેક CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આરોપીને ઓળખી કાઢ્યો હતો. 

નાયગાંવ-ઈસ્ટમાં રહેતા દિલીપ મકવાણાએ ૧૬ એપ્રિલે તેમની હીરો હૉન્ડા બાઇક નાયગાંવ સ્ટેશનની બહાર વેસ્ટ સાઇડમાં રોડ પર પાર્ક કરી હતી. જોકે એ ચોરાઈ જવાની જાણ થતાં તેમણે એ સંદર્ભે વસઈના માણિકપુર પોલીસ-સ્ટેશનમાં એની ફરિયાદ કરી હતી. આ પહેલાં પણ બાઇક ચોરાયાની અન્ય ફરિયાદો માણિકપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી એટલે કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. 

અમને બાઇકની ચોરીની ફરિયાદ મળ્યા બાદ અમારી ટીમે એ વિસ્તારથી આગળના CCTV કૅમેરાનાં ફુટેજ જોવાનું શરૂ કર્યું હતું અને પાંચથી સાત કિલોમીટરના CCTV કૅમેરાનાં અલગ-અલગ ફુટેજ ચેક કર્યાં હતાં એમ જણાવીને ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ ચૌધરીએ ‘મિડ-ડે’ને માહિતી કહ્યું હતું કે ‘પહેલાં આરોપી દેખાતો હતો, પણ તેનો ચહેરો ​ક્લિયર નહોતો એટલે વધુ ને વધુ ફુટેજ જોયાં હતાં. આખરે તેનો ચહેરો ​​ક્લિયર જોવા મળ્યા બાદ એની માહિતી ખબરી નેટવર્કમાં આપીને તથા અન્ય ટેક્નિકલ મદદ લઈને આખરે વસઈ-ઈસ્ટમાં રહેતા આરોપી મોહમ્મદ શાહબાઝ મોહમ્મદ હનીફ મનિહારને તેના ઘરેથી અમે પકડી પાડ્યો હતો. તેની પાસેથી કુલ બે લાખ રૂપિયાની ત્રણ બાઇક અને ચોરાયેલી એક રિક્ષા મળી આવી છે. આમ એક કેસનો ઉકેલવા જતાં બીજા ચાર કેસ પણ સૉલ્વ થઈ ગયા છે.’  

mumbai news crime branch vasai naigaon mumbai crime news Crime News